શહેરના (Surat ) બિલ્ડર (Builder ) શંકર મારવાડી અને તેના ભાગીદારોને ત્યાં સ્ટેટ જીએસટી (GST) વિભાગના દરોડાને પગલે અન્ય બિલ્ડરોમાં પણ દોડધામ વધી જવા પામી છે. વેસુ – વીઆઈપી રોડ અને ડિંડોલી ખાતે આવેલા પ્રોજેક્ટ સહિત નિવાસ સ્થાન મળી કુલ 10થી વધુ સ્થળે એસજીએસટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાઈ છે. દરોડાની કામગીરી દરમ્યાન મોટા પ્રમાણમાં કાળાનાણાંની હેરાફેરી મળી આવે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા નાણાકીય વર્ષના પ્રારંભ સાથે જ જીએસટી વિભાગ દ્વારા કરચોરો વિરૂદ્ધ કમર કસવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી સ્ટેટ જીએસટી વિભાગના રડાર પર રહેલા શહેરના બિલ્ડર શંકર મારવાડી અને તેમના ભાગીદારોને ત્યાં અધિકારીઓ દ્વારા સર્ચની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વિભાગ દ્વારા દરોડાની કામગીરીને પગલે અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અલગ – અલગ ટીમો દ્વારા શંકર મારવાડી સહિતના ભાગીદારો દ્વારા નિર્માણધીન વેસુ – વીઆઈપી રોડ ખાતે આવેલા પ્રોજેક્ટો અને ઓફિસ સહિતના સ્થળે મળીને કુલ્લે 10 ટીમો દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખરીદ – વેચાણના દસ્તાવેજો વિભાગને મળ્યા હોવાની પ્રારંભિક તબક્કે આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના અલગ – અલગ વિસ્તારોમાં પ્રોજેક્ટોના નિર્માણ કાર્ય દરમ્યાન બિલ્ડરો દ્વારા ઓછા ભાવે ખરીદી અને વેચાણ બતાવીને જીએસટી વિભાગને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાની આશંકાને પગલે છેલ્લા ઘણા સમયથી વિભાગ દ્વારા શંકર મારવાડી સહિત તેમના ભાગીદારો પર બાજ નજર રાખવામાં આવી રહી હતી. જીએસટી વિભાગની 10 જેટલી અલગ – અલગ ટીમો દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવતાં આ ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ભાગીદારોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દરોડાની કામગીરી હાલ યથાવત હોવાને કારણે આગામી દિવસોમાં જીએસટી વિભાગ સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે તેનો ચોક્કસ આંકડો સામે આવશે.
શહેરના નામાંકિત બિલ્ડરોમાં સ્થાન ધરાવતાં શંકર મારવાડી દ્વારા હાલમાં પોતાના સંતાનોને ખેડૂત બનાવવા માટે આચરવામાં આવેલું કૌભાંડ જગજાહેર થઈ જવા પામ્યું છે. પોતાનાથી 20 વર્ષ મોટી ઉંમરની મહિલાને ખોટી રીતે પત્ની તરીકે પ્રસ્થાપિત કરીને પોતાના સંતાનોને ખેડૂત બનાવવા માટે રચેલા ષડયંત્રની હકીકતો કૃષિ પંચ સમક્ષ ખુલ્લી પડી જવા પામી હતી. જેને પગલે કૃષિ પંચ દ્વારા શંકર મારવાડીના સંતાનો અંકિત, જીજ્ઞા અને વિરલને પુનઃ બિન ખેડૂત ઠરાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હવે આજરોજ સ્ટેટ જીએસટીના દરોડાને પગલે વધુ એક વખત શંકર મારવાડી શહેરના બિલ્ડરોમાં ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યા છે.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-