ખેડૂતોના (Farmers ) મુદ્દે સંવેનદશીલ હોવાની વાતો કરતી રાજ્ય સરકારની (Government ) બેવડી નીતિ વધુ એક વખત ખુલ્લી પડી જવા પામી છે. એક તરફ ઉનાળુ (Summer ) પાકને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આઠ કલાક વીજ પુરવઠો આપવાની મોટા પાયે જાહેરાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ આજથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને માંડ છ કલાક વીજ પુરવઠો મળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે ખેડૂતોમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ મામલે વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે.
આ સંદર્ભે સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈ માટે વીજળી આપવા બાબતે રાજ્ય સરકાર કાચિંડાની જેમ વારંવાર રંગ બદલી રહી છે. ખેડૂતોને સળંગ આઠ કલાક વીજ પુરવઠાની જાહેરાત પૂર્વે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો અભ્યાસ કરવામાં ન આવ્યો હોય તેવું હવે સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે. ઉનાળાના પ્રારંભમાં જ ખેડૂતો માટે સિંચાઈ માટેની વીજળી માત્ર છ કલાક જ કરવામાં આવતાં હવે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા સુરત સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોને ઉનાળુ પાકમાં પિયત અને સિંચાઈ માટે કોઈ સમસ્યા ન ઉદ્ભવે તે માટે આઠ કલાક વીજ પુરવઠો પુરો પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ જાહેરાતો વધુ એક વખત પોકળ સાબિત થઈ ચુકી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ પાક લેનારા ખેડૂતોને હવે વીજ પુરવઠાની ચિંતા સતાવી રહી છે. આજથી ડી.જી.વી.સી.એલ. દ્વારા ખેડૂતોને માત્રે છ કલાક વીજ પુરવઠાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ભારોભાર આક્રોશની લાગણી જોવા મળી રહી છે.
ખેતરોમાં ડાંગર, શેરડી સહિતના બાગાયતી પાકો વીજ પુરવઠાના અભાવે નાશ ન પામે તે માટે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ 10 કલાક વીજ પુરવઠો આપવાની માંગ કરવામાં આવી રહી હતી જેને બદલે સરકારે હવે આઠ કલાકની જાહેરાત બાદ પણ માત્ર છ કલાક વીજ પુરવઠો આપવાની વાત કરતા આગામી સમયમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 8:58 am, Wed, 13 April 22