ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ(SGCCI) એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા સંયુકતપણે આગામી તા. 19, 20 અને 21 ફેબ્રુઆરી 2022 દરમ્યાન દુબઈ (Dubai) ખાતે ત્રણ દિવસ માટે ‘ઈન્ડીયન ટેક્ષટાઈલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે તા. 19 જાન્યુઆરી, 2022 રોજ સુરત ખાતે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો સાથે આ એક્ષ્પો માટે લોન્ચીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે દુબઈની ખરીદ શકિત વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશ દ્વાર છે. દુબઈથી સમગ્ર વિશ્વભરમાં વેપાર થાય છે. સુરતના ઉદ્યોગકારોએ ટેક્ષટાઈલ સેકટરમાં આયાતની સામે નિર્યાત વધારે કરી છે. આથી સુરતના ફેબ્રિક અને ગારમેન્ટના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળી રહે તેમજ તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિઝનેસ કરી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા દુબઈ ખાતે ‘ઈન્ડીયન ટેક્ષટાઈલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુબઈમાં ‘ઈન્ડીયન ટેક્ષટાઈલ એક્ષ્પો’ થકી સુરતના કાપડ ઉદ્યોગકારોને ચાર પ્રકારના બાયર્સ મળી રહેશે. જેમાં જૂની બિઝનેસ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, નવી સ્થાપિત થયેલી કંપનીઓ, નવો બિઝનેસ શરૂ કરવા માગતા ઉદ્યોગ સાહસિકો અને બાંગ્લાદેશ તથા અન્ય દેશોના ટ્રેડર્સનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના ખરીદદારો તથા એજન્ટ્સ આ એકઝિબિશનમાં આવશે. આથી એકઝીબીટર્સને કોર્પોરેટ ક્રાઉડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, ફેશન લવર્સ પાસેથી પણ બિઝનેસ મળી રહેશે.
ફનફ્રીડમ સંસ્થાના સ્તુતી ગંગવારે જણાવ્યું હતું કે, ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’માં બે હજારથી વધુ બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. આ એક્ષ્પોમાં ઈન્ટરનેશનલ ફેશન શો પણ યોજાશે. જેમાં પણ સુરતના ઉદ્યોગકારોને પોતાનું ગારમેન્ટ વિશ્વભરના બાયર્સની સામે પ્રસ્તૃત કરવાનો મોકો મળશે. આ એક્ષ્પોમાં 100 જેટલા સ્ટોલ રહેશે અને એમાં માત્ર બાયર્સને જ પ્રવેશ મળશે.
ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ઉદ્યોગકારો માટે સમગ્ર વિશ્વના બાયર્સ સુધી પહોંચવા માટેની સુવર્ણ તક ઉભી થઈ છે તેમ જણાવી તેઓને એક્ષ્પોમાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે હાલ જ્યારે કાપડ ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારે થતાં એક્ઝિબિશન ઈન્ડસ્ટ્રી માટે બુસ્ટર ડોઝ જેવા સાબિત થશે.
આ પણ વાંચો: Surat: પોલીસ કમિશનર અચાનક મુલાકાતીઓને મળવા પહોંચ્યા, જાણો ત્યાર બાદ અધિકારીઓ કઈ રીતે દોડતા થયા?
આ પણ વાંચો: Surat : પ્રિકોશનરી ડોઝના 30 હજારના ટાર્ગેટ સામે ફક્ત 5700 લોકોએ જ ડોઝ લીધો