વેસુ(Vesu ) ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતા શ્રમજીવી પરિવારનો માસુમ બાળક(Child ) રવિવારે સાંજે ઘર પાસે રમી રહ્યો હતો. પાલિકા(SMC) દ્વારા ઘર પાસે ખાડા ખોદવામાં આવ્યા છે. ખાડામાંથી વીજળીના જીવંત વાયરો બહાર નીકળી ગયા છે. દરમિયાન રમી રહેલ આ બાળક વીજ વાયરને અડી જતા તેને કરંટનો ભયંકર ઝાટકો લાગ્યો હતો. જેના કારણે તેનું સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. જયારે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તેમજ પાલિકાની બેદરકારીએ તેનો ભોગ લીધો હોવાનો પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા.
ઉમરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે આવેલ એસએમસી આવાસમાં રહેતો 10 વર્ષીય જય શશીકાંત ઝાલટે રવિવારે સાંજે પોણા સાતેક વાગ્યાના અરસામાં ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે તેને કરંટ લાગતા પરિવારજનો તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. ઉમરા પોલીસ બાળકના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવી હતી. આ ઘટના સંદર્ભે બાળકના કાકા કાશીનાથ ઝાલટે જણાવ્યું હતું કે બિલ્ડિંગના મુખ્ય ગેટની બાહર જ પાલિકા દ્વારા પાણીની લાઈન માટે ખાડા ખોદવામાં આવ્યા છે.
છેલ્લા પંદરેક દિવસથી આ ખાડા ખોઘ્યા છે. ખાડામાંથી વીજળીના વાયર બાહર નીકળી આવ્યા છે. જય રવિવારે સાંજે નજીકમાં જ રમી રહ્યો હતો ત્યારે જીવંત વાયરને અડી જતા તેને કરંટનો ઝાટકો લાગ્યો હતો જેના લીધે તેનું સ્થળ પર જ મોત થઇ ગયું હતું. તેને હોસ્પિલમાં લઇ જવામાં આવ્યો હતો પંરતુ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પાલિકાની બેદરકારીને કારણે ખાડામાંથી બાહર નીકળી ગયેલા વાયરથી કરંટ લાગતા અમારા બાળકનો ભોગ લેવાયો છે.
વધુમાં જણાવ્યું હતું કે જય બે બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો. બનાવને લઈને ઉમરા પોલીસ આગળની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા ખાડા ખોદવામાં બેદરકારી બતાવવામાં આવી છે. એટલું જ નહીં વાયરો પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે. છતાં પણ ખાડા પૂરવામાં કે વાયરોનું વ્યવસ્થિત નિયમન કરવામાં તંત્રની નિષ્કાળજી દેખાઈ આવી છે. જેના કારણે એક માસુમનો ભોગ લેવાયો છે.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો