કોરોનાને (Corona ) કારણે લોકો વિવિધ શારીરિક(Physical ) અને માનસિક(Mental ) રોગોથી પીડાઇ રહયા છે ત્યારે તમામ રોગો સંબંધિત જાણકારી તેમજ તેના નિદાન માટેની સચોટ માહિતી લોકો તથા ઉદ્યોગકારો સુધી પહોંચાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે સૌપ્રથમ વખત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અડધા દિવસની ‘હેલ્થ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર, તા. 10 એપ્રિલ, 2022 ના રોજ સવારે 9 કલાકથી બપોરે 2 વાગ્યા દરમ્યાન સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ‘હેલ્થ કોન્ફરન્સ’ યોજાશે. જેમાં નવ જેટલા નિષ્ણાંત તબીબો વિવિધ રોગો તથા તેના નિદાન સંબંધિત મહત્વનું માર્ગદર્શન આપશે.
હેલ્થ કોન્ફરન્સમાં ‘એલર્જીની સમસ્યા તથા તેની સારવાર’ વિશે જાણીતા ચેસ્ટ ફિઝીશ્યન ડો. સમીર ગામી, ‘જોઇન્ટ પેઇન, રિપ્લેસમેન્ટ અને સર્જરી’ વિશે ઓર્થોપેડીક સર્જન ડો. ભરત સુતરીયા, ‘સ્કીન પ્રોબ્લેમ્સ તથા તેની સારવાર’ વિશે કોસ્મેટોલોજિસ્ટ ડો. જગદીશ સખીયા, ‘વ્યંધત્વ અને તેને સંબંધિત વધતી સમસ્યા તથા તેના નિદાન’ વિશે ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સ્ટેટ્રિશ્યન ડો. પુજા નાડકર્ણી, ‘કેન્સરમાં આવેલા નવા પ્રકાર તથા તેના નિદાન’ માટે ઓન્કો સર્જન ડો. નિકુંજ વિઠ્ઠલાની માર્ગદર્શન આપશે.
તેમજ ‘સ્થુળતાના નિદાન’ વિશે એશિયન બેરિયાટ્રિકસ ડો. મહેન્દ્ર નરવરીયા, ‘ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ’ વિશે ગુજરાત સરકારના ફેમિલી વેલ્ફેરના માજી એડીશનલ ડાયરેકટર ડો. વિકાસ દેસાઇ, ‘ડાયાબિટીસ અને તેમાં થતા વધારાના નિદાન’ વિશે ડો. પ્રિયંકા મોદી તથા ‘સામાન્ય હૃદયની સમસ્યાઓ અને લાઇફ સ્ટાઇલ ડિસઓર્ડરના નિવારણ’ માટે કાર્ડીયોલોજિસ્ટ ડો. નરેન્દ્ર તનવર દ્વારા ઉદ્યોગકારો તેમજ લોકોને વિસ્તૃત સમજણ આપવામાં આવશે.
આ હેલ્થ કોન્ફરન્સનું સમગ્ર સંચાલન ચેમ્બરની પબ્લીક હેલ્થ કમિટીના ચેરપર્સન ડો. પારૂલ વડગામા અને કો–ચેરમેન ડો. ધનેશ વૈદ્ય દ્વારા કરવામાં આવશે. જો કે, આ હેલ્થ કોન્ફરન્સમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://www.sgcci.in/visitor-pre-prog-registration/?programID=1866 પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
નોંધનીય છે કે કોરોના પછી લોકો અનેક માનસિક અને શારીરિક બીમારીઓમાંથી પસાર થઇ રહ્યા છે. ત્યારે શહેરમાં પહેલી જ વખત આ પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. જેમાં શહેરના જાણીતા નિષ્ણાંત તબીબો દ્વારા જે તે સમસ્યાથી પીડિત લોકોને નિદાન માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074