1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન કેન્દ્રીય બજેટ (Budget 2022) રજૂ કરનાર છે. ત્યારે સુરતના વેપારીઓને (Traders) અનેક આશા અપેક્ષા છે. જેથી સુરત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા મેગા ટેક્સટાઈલ પાર્ક માટે ખાસ પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશ અને સાંસદ સી આર પાટીલને રજૂઆત કરી છે. આ મેગા પાર્ક માટે જગ્યાના સર્વે કરીને પણ ચેમ્બરે પ્રપોઝલ સાથે સ્થળ રજૂ કર્યા છે.
જોકે કેન્દ્ર સરકાર જાતે પ્રપોઝલ તૈયાર કરતી હોવાથી સાંસદ મારફતે રજૂઆત કરતી પ્રપોઝલ મોકલવામાં આવી છે. સમગ્ર દેશમાં ટેક્સટાઈલના વિકાસ માટે આગામી સમયમાં સાત ટેક્સ્ટાઈલ મેગા પાર્ક બનાવવામાં આવનાર છે. એવી જાહેરાત એક વર્ષ પહેલા કેન્દ્રીય નાણામંત્રીએ કરી હતી. પરંતુ અત્યાર સુધી પાર્કની કામગીરી અને લોકેશનની આઈડેન્ટિટી જાહેર કરવામાં આવી નથી.
જેથી ફરી એકવાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતને મેગા ટેક્સટાઈલ પાર્ક મળે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીના જણાવ્યા અનુસાર શહેરને મેગા ટેક્સટાઈલ પાર્ક મળે તે માટે ચેમ્બર દ્વારા ગભેણી અને વાંસી – બોરસી ગામની જગ્યાનો સર્વે કરીને પ્રપોઝલ તૈયાર કરવામાં આવી છે.
આ સર્વેમાં નવસારીના વાંસી ગામની 2382.38 એકર જગ્યા અને ઓલપાડના ગભેણી ગામની 1417.67 એકર જગ્યાનો સર્વે કરવામાં આવ્યો છે. વાંસી ગામની જગ્યા ગ્રીન ફિલ્ડમાં આવે છે અને મોટાભાગની સરકારી જગ્યા હોવાથી સંપાદન પણ સરળતાથી થવાની શક્યતા છે. જેથી ચેમ્બર દ્વારા હાલમાં જે રજૂઆત કરતી પ્રપોઝલ તૈયાર કર્યા છે તે સુરતના કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશ અને સાંસદ સી.આર. પાટીલને મોકલ્યા છે. કારણ કે ટેકસ્ટાઇલ પાર્કની પ્રપોઝલ કેન્દ્ર સરકાર જાતે કરતી હોવાથી આગામી બજેટમાં તેની જાહેરાત થાય તેવી આશા ચેમ્બર દ્વારા સેવાઇ રહી છે.
મેગા ટેક્સ્ટાઇલ પાર્કના નિર્માણ માટે 40 લાખ ચોરસ મીટર જમીનની જરૂરિયાત રહેલી છે. કમિટીએ સરકારને પીપીપી ધોરણે આ પાર્ક નિર્માણ કરી આપવા માટે અપીલ કરી છે. જે લોકેશન શોધવામાં આવ્યા છે તે તમામ દરિયાઈ વિસ્તારમાં નજીકના છે. હાઈ વે પણ નજીક છે અને એરપોર્ટની સુવિધા પણ નજીક મળી શકે તેમ છે.
જો જમીનની ફાળવણી અહીં થશે તો સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગોમાં વિદેશી મૂડી રોકાણ વધી શકે છે. ટેક્સ્ટાઈલના ઈતિહાસમાં છેલ્લા 60 વર્ષથી ભારતની એમએમએફ ટેક્સ્ટાઈલ ચેઈન જ સુરતમાં સ્થાપિત થયેલી છે તેને પણ વધારે વેગ મળશે. આ ઉપરાંત ગારમેન્ટિંગ અને મનેયુફેક્ચરિંગ ક્ષેત્રને પણ તેનો મોટો લાભ મળશે.
આ પણ વાંચો : સુરત બન્યું હિલ સ્ટેશન, તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા
આ પણ વાંચો : Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા