
સામાન્ય રીતે આપણે કોઇ વ્યક્તિ અથવા કિંમતી વસ્તુની દેખરેખ માટે Z+ સુરક્ષા રાખવામાં આવી હોય તેવી વાત સાંભળી છે, પરંતુ પાણીની સુરક્ષા માટે Z+ સુરક્ષા ગોઠવાઇ હોય તેવુ તમે સાંભળ્યુ છે? ગુજરાતના સુરતમાં રેલવે સ્ટેશન પર આ કામગીરી કરવામાં આવી છે. જેનું કારણ જાણીને તમને પણ નવાઇ લાગશે.
સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનોમાં પાણી ભરવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે ‘વોટર વોચ સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમ’ લાગુ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા પહેલીવાર આ પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 15 હાઇ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેમેરા નાઇટ વિઝન ટેકનોલોજીથી સજ્જ છે, જેના કારણે 24 કલાક સ્પષ્ટ મોનિટરિંગ શક્ય બનશે. કેમેરા એવી રીતે ગોઠવાયા છે કે પાઇપલાઇન, પાણી ભરવાનું પોઇન્ટ અને ટ્રેનના કોચ એકસાથે નજરે પડે.
આ સિસ્ટમ લાગુ કરવાનો મુખ્ય હેતુ મુસાફરોને મળતી ફરિયાદો દૂર કરવાનો છે. અગાઉ અનેક વખત કોચમાં પૂરતું પાણી ન ભરાતું હોવાની ફરિયાદો સામે આવી હતી. હવે કંટ્રોલ રૂમમાંથી અધિકારીઓ રિયલ ટાઇમમાં દેખરેખ રાખી શકશે.
નવી સિસ્ટમથી પાણીનો બગાડ પણ અટકાવવામાં આવશે. પાઇપલાઇનમાં લીકેજ અથવા ઓવરફ્લો જેવી સમસ્યાઓ તરત જ કેમેરામાં કેદ થશે, જેથી ઝડપથી કાર્યવાહી થઈ શકે.
કેમેરા દ્વારા પાણીની લાઇન આસપાસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવામાં આવશે, જેના કારણે સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
સુરત રેલ્વે સ્ટેશન પર પહેલેથી જ 40થી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે, જે સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં નજર રાખે છે. હવે ‘વોટર વોચ’ સિસ્ટમ ઉમેરાતા મુસાફરોને વધુ સારી અને વિશ્વસનીય સુવિધા મળશે તેવી આશા છે.
Published On - 1:51 pm, Mon, 6 April 26