
સામાન્ય રીતે આપણે બે પૈડા, ત્રણ પૈડા કે ચાર પૈડાવાળા વાહનો જ જોયા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ પૈડાવાળી ગાડી પણ રસ્તા પર સરળતાથી ચાલી શકે? સુરતમાં અમને એવો જ એક અનોખો દૃશ્ય જોવા મળ્યો, જ્યાં એક યુવાન પોતાની બનાવેલી એક પૈડાવાળી બાઇકને ખૂબ જ સરળતાથી રસ્તા પર દોડાવી રહ્યો હતો.
આ બાઇકની ખાસિયત એ છે કે તેમાં બેસ્યા પછી માત્ર એક બટન ઓન કરતાં જ બાઇક સંપૂર્ણ રીતે બેલેન્સ થઈ જાય છે. ન તો તે આગળ જાય છે, ન તો પાછળ—સંપૂર્ણ સ્થિર સ્થિતિમાં રહે છે. જ્યારે રાઇડર ચલાવવાનું શરૂ કરે ત્યારે જ બાઇક ચાલે છે. એવું નથી કે બેસતાં જ બાઇક પોતાની જાતે દોડવા લાગી જાય.
આ બાઇકમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાં બહારથી કોઈ એન્જિન, ચેન કે ગિયર સિસ્ટમ નજરે પડતી નથી. તેમ છતાં, બાઇક સરળતાથી ચાલે છે. કારણ કે આ બાઇકમાં વ્હીલની અંદર જ હબ મોટર લગાવવામાં આવી છે, એટલે મોટર સીધી પૈડાની વચ્ચે ફિટ કરેલી છે. આ કારણે બાઇકનું ડિઝાઇન પણ ખૂબ જ સરળ અને આકર્ષક લાગે છે.
Video : Principle Of News
આ એક પૈડાવાળી બાઇક સંપૂર્ણપણે બેટરીથી ચાલે છે. તેમાં પેટ્રોલ કે ડીઝલની જરૂર નથી. શરૂઆતમાં પેટ્રોલ પર કામ કરવાનો વિચાર હતો, પરંતુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને બેટરી આધારિત સિસ્ટમ પસંદ કરવામાં આવી. આ બાઇકમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વધુ રેન્જ આપે છે અને પર્યાવરણ માટે પણ અનુકૂળ છે.
આ અનોખી બાઇક તૈયાર કરવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો. સૌથી મોટો પડકાર હતો બેલેન્સિંગ. કારણ કે એક જ પૈડાં પર આખી બાઇકને બેલેન્સ કરવી સહેલી બાબત નથી. આ માટે બાઇકની આખી ફ્રેમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી કે તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી (CG) એકદમ કેન્દ્રમાં રહે.
બાઇકમાં ખાસ કંટ્રોલર લગાવવામાં આવ્યો છે, જે બાઇકના આખા વજનને કેન્દ્રમાં બેલેન્સ કરીને રાખે છે. પરિણામે, બાઇક ચાલુ કરતાં જ તે આપોઆપ સંતુલિત થઈ જાય છે. ટેસ્ટિંગ દરમિયાન અનેક વખત પડવાનું પણ બન્યું, ઇજાઓ પણ થઈ, પરંતુ સતત સુધારા અને મહેનત બાદ હવે આ બાઇક સંપૂર્ણ રીતે સ્થિર અને સુરક્ષિત બની ગઈ છે.
આ બાઇક કોઈપણ વ્યક્તિ ચલાવી શકે છે. જેમ પહેલીવાર આપણે બે પૈડાવાળી બાઇક શીખતા સમયે થોડો સમય લાગે છે, તેમ આ બાઇક માટે પણ થોડું પ્રેક્ટિસ જરૂરી છે. એક-બે દિવસનો સમય આપશો તો સામાન્ય માણસ પણ સરળતાથી આ એક પૈડાવાળી બાઇક ચલાવી શકે છે.
આ બાઇક બનાવતી વખતે શક્ય તેટલું જૂનું અથવા વેસ્ટ મટીરિયલ ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જરૂરી નથી કે દરેક ભાગ નવો જ હોય—જૂની વસ્તુઓને નવા વિચાર સાથે ઉપયોગમાં લઈને તેને એક યુનિક પ્રોજેક્ટમાં ફેરવવામાં આવ્યો છે.
આ બાઇકની એક વધુ ખાસિયત એ છે કે તે પોતાની જગ્યાએ જ ફરી શકે છે. ટ્રાફિકમાં આગળ-પાછળ કર્યા વિના, સરળતાથી ટર્ન લઈ શકાય છે અને નાની જગ્યામાંથી પણ બહાર નીકળી શકાય છે.
નોંધ : અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.
Published On - 8:42 pm, Thu, 29 January 26