
આમ તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને (Election ) હજી વાર છે, પરંતુ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. સુરત આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમર્થન મેળવનાર આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને તોડવાનું કામ રાજ્યના સત્તાધારી ભાજપ (BJP) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કાઉન્સિલરો ચૂંટાયા હતા. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે પણ મોટો અપસેટ સર્જ્યો હતો, પરંતુ હવે એ જ ભાજપ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને તમામ પ્રકારના લોભામણે ભાજપમાં જોડાવા માટે બોલાવી રહી છે, એવો આક્ષેપ સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરીએ પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ કર્યો હતો.
ગુરુવારે ધર્મેશ ભાઈ ભંડેરી તેમના બે સાથી નગરસેવક મહેશભાઈ અનઘાન અને રચના હીરપરા સાથે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને આક્ષેપ કર્યો હતો કે આ બંને કાઉન્સિલરોને વોટ્સએપ કોલ દ્વારા ભાજપમાં જોડાવા માટે વિવિધ પ્રકારના લોભ આપવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માંથી AAPના કાઉન્સિલર મહેશ ભાઈ અનઘાન છે જ્યારે રચના બેન હીરપરા વોર્ડ નંબર 17માંથી છે. ધર્મેશ ભાઈ ભંડેરીએ આક્ષેપ કર્યો છે કે તેઓ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને જનતાને એવો સંદેશ આપવા માંગે છે કે તમે કોઈને પણ વોટ આપો, અમે પૈસાના જોરે ખરીદી લઈશું.
ગુજરાત આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓ મહેશ સવાણી અને વિજય સુંવાળા પહેલેથી જ AAP થી દૂર થઈ ગયા છે. આ બાબતે સુરત મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, સંગઠનમાંથી જનારા નેતાઓ પોતે ગમે ત્યાં જઈ શકે છે, તેમની સાથે જનતાનો સીધો લગાવ નથી, પરંતુ જે નેતાઓને જનતાએ ચૂંટ્યા છે તેઓએ આ વાતથી બચવું જોઈએ.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના મેયર હેમાલી બોઘાવાલાએ આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલરોને લાલચ આપીને પાર્ટી બદલવાનો પ્રયાસ કરવાના આરોપ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એવું બિલકુલ નથી. તેમણે કહ્યું કે જે વોર્ડમાં ભાજપના કાઉન્સિલરો નથી ત્યાં ભાજપ સંગઠન અને મહાનગરપાલિકાના કાર્યકરો લોકહિત માટે કામ કરી રહ્યા છે. આ બાબત તથ્યવિહોણી હોવાની વાત તેમણે કરી હતી.
તેઓએ ઉમેર્યું હતું કે સુરત મહાનગર પાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના વિકાસને અનોખી રીતે આગળ લઈ જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારોમાં સારી રીતે કામ કરી રહ્યા છે અને આપ જે કોર્પોરેટરો વિશે જે વાત કરી રહી છે તે હકીકત નથી કારણ કે જે વિસ્તારોમાં તે વિસ્તારોમાં ભલે ભાજપના પ્રતિનિધિઓ ચૂંટાયા ન હોય પરંતુ ભાજપ સંગઠનના નાના કાર્યકરો તે વિસ્તારોમાં વિકાસના કામો કરી રહ્યા છે તેથી આવી કોઈ શક્યતા નથી.
સુરતમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને ભાજપમાં જોડાવા માટે લાલચ આપવામાં આવી રહી છે, આવો આક્ષેપ AAPના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યારે ભાજપ આ આરોપોને સ્પષ્ટપણે નકારી રહી છે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. અને આગામી દિવસોમાં કોઈ નવાજુની થાય તે નક્કી છે.
આ પણ વાંચો :