
Surat : સુરત (Surat) શહેરના બેગમપુરા વિસ્તારમાં બે સંતાનની માતાને જીમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા હતા. છૂટાછેડા બાદ આ મહિલા જીમ ટ્રેનર સાથે લીવ ઈનમાં રહેતી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં જ નાની નાની વાતોમાં ઝઘડા કરી જીમ ટ્રેનરે મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને માર માર્યાની ફરિયાદ જીમ ટ્રેનર અને તેની પત્ની વિરૂધ્ધ નોંધાવી છે.
બેગમપુરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મહિલા બે સંતાનની માતા છે. એકસ્ટ્રીમ ફીટનેસ જીમમાં તેનો પરિચય કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલા સાથે થયો હતો. જીમ ટ્રેનર કૌશર મહિલાને પર્સનલ ટ્રેનીંગ આપતો હતો તે દરમિયાન બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો. આ દરમિયાન કૌશરની ઓફિસ અને ઘરે બંનેએ અનેક વખત એકાંત માણ્યું હતું. મહિલા કૌશર સાથે જીવન વીતવવા ઇચ્છતી હોવાથી જાન્યુઆરી 2022માં પતિને છુટાછેડા આપીને કૌશરના ઘરે લીવ ઇનમાં રહેતી હતી.
બંનેએ રમઝાન પછી લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ થોડા દિવસો બાદ યુવતી અને કૌશર વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા અને કૌશરે મહિલાને શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેના કારણે મહિલા સ્વેચ્છાએ પોતાના માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી. પરંતુ જીમ ટ્રેનર અને તેની પત્ની ત્યાં જઇ મહિલાને મારી નાંખવાની ધમકી આપતા હતા. જેથી મહિલાએ અઠવાડિયા અગાઉ કૌશર સામે ધાક-ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પરંતુ ત્યાર બાદ પણ કૌશરે ધમકી આપવાનું ચાલુ રાખતા છેવટે મહિલાએ કૌશર અને તેની પત્ની વિરૂધ્ધ દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. કૌશર જીમ ટ્રેનર ઉપરાંત બેગમપુરા વિસ્તારમાં કેબલ નેટવર્કનો પણ ધંધો કરે છે.