
સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગામી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને કારણે કેટલાક વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનો ધીમા ગતિએ પસાર થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરાછા, ઉધના, અઠવા, પાલ, લિંબાયત, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉધના રેલવે યાર્ડ અને લિંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર અસર પડી છે. ગરનાળામાં અંદાજે અઢી ફૂટ જેટલું પાણી ભરાતા વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને બંધ કરવામાં આવ્યું હતું.
શહેરના વેસુ, પીપલોદ, અડાજણ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. વેસુ વિસ્તારમાં કેટલાક માર્ગો પર બંને તરફ પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાંડેસરા તરફ જતા કેટલાક માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. સતત વરસતા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવા રહી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. હાલ વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી. જરૂરિયાત મુજબ રાહત કામગીરી માટે ટીમોને તૈયાર રાખવામાં આવેલું છે.
સુરત જિલ્લાના કેટલાક ગામોમાં ભારે વરસાદના કારણે નદી-નાળામાં પાણીની આવક વધવાની શક્યતા ઉભી થઈ છે. નદી કિનારે આવેલા ગામોમાં તંત્રની ટીમો પહોંચી છે. સ્થાનિક લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. કેટલાક ગામોમાં રહેણાંક વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે.
સુરતમાં સતત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હીરા બજારના કારખાનાઓમાં બે દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને કારણે કામદારો અને વેપારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Published On - 1:51 pm, Fri, 31 July 26