સુરતના કાપડ ઉદ્યોગ પર લાગ્યુ મંદીનું ગ્રહણ, મોંઘવારી વચ્ચે બજારમાં ખરીદી ઘટતા વેપારીઓ મૂંજાયા
સુરતનો કાપડ ઉદ્યોગ હાલ ભારે મંદીનો સામનો કરી રહ્યા છે. એકતરફ ઉત્પાદન ખર્ચ વધ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં થતી ઉથલપાથલની સીધી અસર સુરત ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી પર દેખાઈ રહી છે. છેલ્લા 20 દિવસમાં રો મટિરિયલના ભાવ આસમાને પહોંચ્યા છે. પરંતુ બજારમાં એ પ્રમાણે ખરીદી ન મળતા વેપારીઓને ભારે આર્થિક નુકસાન જઈ રહ્યુ છે.
સુરતનો કાપડ ઉદ્યોગ છેલ્લા કેટલાય સમયથી ડચકા ખાઈ રહ્યો છે. એકતરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થઈ રહેલી ઉથલપાથલની સીધી અસર સુરત ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી પર દેખાઈ રહી છે. જેના કારણે કાપડ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ક્રુડ ઓઈલમાં થયેલા ભાવ વધારાએ કાપડ ઉદ્યોગકારોની કમર તોડી નાખી છે. ક્રુડ ઓઈલના ભાવ વધવાને કારણે ડાઈઝ કેમિકલ અને યાન (સૂતર) સહિત તમામ રો મટિરિયલના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉદ્યોગો માટે બોઈલર ચલાવવા જરૂરી કોલસાનો ભાવ પણ વધ્યો છ. અગાઉ કોલસો સસ્તા ભાવે મળતો હતો, તેના ભાવ વધીને સીધા 11 થી 13 હજાર રૂપિયા પ્રતિ ટન સુધી પહોંચી ગયા છે. તેની સામે પૂરતા પ્રમાણમાં લિગ્નાઈટનો જથ્થો ન હોવાથી કોલસાનનો ભાવ જલદી સામાન્ય થવાની કોઈ જ શક્યતા દેખાતી નથી.
ઈંધણના ભાવ વધવાને કારણે દરિયાઈ માર્ગેથી માલ આવતો હોય કે બાય રોડ આવી રહ્યો હોય ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘણો વધ્યો છે. ગ્રે મેન્યુફેક્ચરિંગ લુમ્સ ચલાવનારાઓ અને યાનની ઈનપુટ કોસ્ટ ઘણી ઉંચી છે.
નવા માલની ખરીદી પર ઘેરાયા અનિશ્ચિતતાના વાદળો
હાલ માર્કેટમાં ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે વેપારીઓ નવો માલ ભરવાનું જોખમ લેવાનું ટાળી રહ્યા છે. જુનો તૈયાર માલ હજુ પૂરો વેચાયો નથી. ત્યારે વેપારીઓ જો અત્યારે મોંઘા ભાવે ગ્રે માલ ખરીદીને પ્રોસેસિંગમાં મુકે અને જો વેચાય નહીં તો પણ વેપારીઓને મોટુ આર્થિક નુકસાન વેઠવુ પડે તેમ છે.
આજ કારણોસરણ નવા ગ્રે માલની ખરીદી વેપારીઓએ મુલતવી રાખી છે. એકતરફ ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી છે ત્યારે વેપારીઓ હવે લગ્નસરાની સિઝન પર મિટ માંડીને બેઠા છે. વેપારીઓ આશા સેવી રહ્યા છે કે લગ્નસરાની સિઝન દરમિયાન જો જોઈએ તેવી ખરીદી નીકળે તો તેમને મોંઘા ભાવે ખરીદેલા માલનું વળતર મળશે. હાલ તો સ્થિતિ એવી છે કે એક ની સાથે એક ફ્રીની ઓફર આપે છે છતા મોંઘવારીને કારણે ગ્રાહકો પણ તેમની જરૂર પૂરતુ જ ખરીદી રહ્યા છે.
Input Credit- Baldev Suthar- Surat