
સુરતના મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં આખરે ચુકાદો આવી ગયો છે. સુરત કોર્ટે બંને આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને દોષિત જાહેર કર્યા છે. 15 દિવસમાં 3 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાઇ હતી. હવે 17 તારીખે કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે.
આ કેસમાં 50 પોલીસ અધિકારી-કર્મચારીઓએ તપાસ કરી હતી. પોલીસે 467 પાનાની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી. 2500 પાનાની સોફ્ટ કોપીનો સમાવેશ પણ કર્યો છે. ચાર્જશીટમાં 60 સાક્ષીઓના નિવેદન અને પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેડિકલ અને સાયન્ટિફિક રિપોર્ટ, મોબાઇલ ડેટા સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. સ્પેક્ટોગ્રાફિક પુરાવા પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે. અગાઉ એક આરોપી શિવશંકરનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું.
સગીરો પર ગેંગરેપનો સમગ્ર ઘટનાક્રમ નવરાત્રિમાં બન્યો હતો. આણંદ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી સગીરા નવરાત્રિ દરમિયાન સગીરા તેના મિત્રને મળવા કીમ ગઇ હતી. સગીરા અને મિત્ર રાત્રે 10:30 કલાકે અન્ય 2 મિત્રોથી છૂટા પડ્યા હતા. જે બાદ, બન્ને મોટા બોરસરાના હાઈવે પર પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા. જે બાદ, મોટા બોરસરા ગામની સીમમાં રસ્તા પર ખેતર પાસે સગીરા અને તેનો મિત્ર બેઠા હતા, ત્યારે, અજાણ્યા 3 શખ્સોએ પહોંચીને સગીરાના મિત્રને માર મારીને ભગાડી દીધો હતો.
આ પછી 3 શખ્સોએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ પછી, સગીરાના મિત્રએ નજીકના ગામે પહોંચી સ્થાનિકોની મદદ માગી હતી. મિત્ર અને ગ્રામજનો સગીરાને શોધતા ખેતરમાં પહોંચ્યા હતા અને સગીરા અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી.
સમગ્ર ઘટના બાદ સગીરાને હોસ્પિટલ પહોંચાડી પોલીસને જાણ કરાઈ હતી. જે બાદ, કોસંબા અને કામરેજ પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી. પોલીસે શંકાસ્પદ બાઈકના આધારે 2 આરોપીઓની ઓળખ કરીને 3 આરોપીઓને ઝડપ્યા હતા. આ પછી, 3 પૈકી એક આરોપીનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું. હાલ બંને આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.