
સુરતના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં રોજ નિતનવા ખૂલાસા થઈ રહ્યા છે. આજે મૃતક ડૉક્ટરના પિતા સુભાષ પંડ્યા ખટોદરા પોલીસ સ્ટેશને નિવેદન નોંધાવવા ગયા હતા. જેમા પિતાએ પુત્રના મોતને લઈને નવી સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ તંત્ર, એન્ટી રેગિંગ કમિટી, ડીન, અને જવાબદાર સિનિયર ડૉક્ટર્સ સહિતના સામે ગંભીર આક્ષેપો કર્યો છે. પિતાએ જણાવ્યુ કે સૌપ્રથમ તો તેમના પુત્રએ આપઘાત કર્યો છે કે તેનુ મર્ડર થયુ છે તેની તપાસ થવી જોઈએ. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યુ કે મારો પુત્ર મજબુત મનોબળનો હતો તે આપઘાત ન કરી શકે.
બીજી તરફ પોલીસ સ્ટેશનમાં પણ જવાબદાર ડૉક્ટરો સામે પણ રેગિંગની કલમ ન ઉમેરવા બાબતે પણ તેમણે સવાલ ઉઠાવ્યા. પિતાએ જણાવ્યુ કે તેમના પુત્રએ રેગિંગ થયા બાદ જ આપઘાત કર્યો છે પરંતુ આ લોકો રેગિંગમાં ગણતા નથી. અગાઉ HOD ને હર્ષ પંડ્યા સહિત અન્ય 6 રેસિડેન્ટ ડોક્ટર્સ રેગિંગ અંગે ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં ન આવી ત્યારબાદ એ જ સાંજે આપઘાત કરી લેવાની ઘટના બની છે.
પિતાનું કહેવુ છે કે જો એન્ટી રેગિંગ કમિટી રેગિંગનો અહેવાલ રજૂ કરે તો 24 કલાકમાં વિદ્યાર્થી માટે એ બિનજામીનપાત્ર ગુનો બને છે. પરંતુ અહીં તો જવાબદાર સિનિયર્સ સામે કોઈ કાર્યવાહી જ કરાઈ નથી. પિતાએ કહ્યુ કે છેલ્લા 7 વર્ષમાં 6 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી, તેની પણ કોઈ તપાસ થઈ નથી. પિતાનો આરોપ છે કે આ કેસમાં આખુ તંત્ર અને એન્ટી રેગિંગ કમિટી પણ મળેલી છે અને જો આ કેસની તલસ્પર્શી તપાસ નહીં થાય તો હજુ અનેક માતાપિતાઓએ તેમના હર્ષ ગુમાવવા પડી શકે છે.
જુઓ વીડિયો