surat : વીર નર્મદ યુનિવર્સિટીમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેના ઘર્ષણનો મુદ્દો ગરમાયો, ઉમરા પોલીસ સ્ટેશનમાં એબીવીપીના દેખાવો

|

Oct 12, 2021 | 3:11 PM

જોતજોતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસતાં અન્ય કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા નવરાત્રિનું આયોજન કરાયું હતું, જેમાં રાત્રે પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી જઇને વિદ્યાર્થીઓને કેટલીક બાબતો અંગે સૂચના આપી હતી. બાદમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે દંડાવાળી કરતાં સાત વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જોકે આ જ પોલીસ થોડા દિવસ પહેલાં ગૃહ રાજ્યમંત્રીની જન આશીર્વાદ યાત્રામાં ઊમટેલી ભીડ સામે ચૂપ રહી હતી.

એબીવીપીના કાર્યકરો ક્લેક્ટર કચેરીએથી સીધા જ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી ગયાં હતાં. ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચીને વિદ્યાર્થીઓએ દેખાવો કરવાની સાથે સાથે જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની ઉગ્ર માગ કરી છે.

દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. આ દરમિયાન બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનનાં મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જોતજોતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસતાં અન્ય કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.

 

Next Video