કોરોના (Corona Virus)ની બે ઘાતકી લહેરો બાદ હવે આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર(third wave) આવવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) હવે વેક્સિનેશનની કામગીરી પર વધુ ધ્યાન આપી રહી છે. હાલમાં દરરોજ 50 હજાર કરતા પણ વધુ નાગરિકોને વેક્સિનના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરના 80 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જોકે બીજા ડોઝની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ નાગરિકોની આળસના કારણે બીજા ડોઝની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. હાલમાં 90 હજાર કરતા વધુ લોકોની બીજા ડોઝની તારીખ નીકળી ગઈ હોવા છતાં તેઓએ વેક્સીન મુકાવી નથી. જેથી હવે સુરત મનપા દ્વારા નોક ધ ડોર (knock the door ) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા નોક ધ ડોર અભિયાનમાં જે લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. પરંતુ બીજા ડોઝની તારીખ નીકળી ગઈ હોવા છતાં વેક્સીન મુકાવી નથી. જેથી તે નાગરિકોના ઘરે ઘરે જઈ બીજો ડોઝ મુકાવવા માટે સમજણ આપવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 26.85 લાખ લોકોને પહેલો ડોઝ આપી દીધો છે. પરંતુ સુરતમાં 90 હજારથી પણ વધુ લોકો એવા છે જેઓએ પહેલો ડોઝ લીધાને 84 દિવસ કરતા પણ વધુ સમય થઈ ગયો છે. તેવા લોકોને શોધી શોધીને પાલિકા બીજા ડોઝ અપાવશે.
સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં 33.53 લાખ લોકો 18 વર્ષથી મોટી ઉંમરના છે. જે પૈકી 26.85 લાખ લોકોને પહેલો ડોઝ અપાઈ ગયો છે. પાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ પાલિકાએ નોક ધ ડોર અભિયાન શરૂ કર્યું છે. બીજો ડોઝ લેવા માટે જે લોકોનો સમય થઈ ગયો છે તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેઓને ફોન કરીને બીજા ડોઝ માટે જણાવવામાં આવે છે.
નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકાએ માઈક્રો મેનેજમેન્ટ કરીને કોરોના વાઈરસ પર કાબુ મેળવ્યો છે. ત્યારે હવે પાલિકાનો ટાર્ગેટ મહત્તમ લોકોને રસી આપવાનો છે. ખાસ કરીને આવનારા દિવસોમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારો આવી રહ્યા હોય પાલિકા દ્વારા એનજીઓ અને અન્ય સંસ્થાઓની મદદથી આ કામગીરીની વધુ વેગ અપાશે.
આ પણ વાંચો : Surat : સુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું થશે ખાનગીકરણ, સુવિધામાં થશે વધારો
આ પણ વાંચો : Surat : દહીં હાંડી મહોત્સવને પરવાનગી ન મળતા સુરતના ગોવિંદા મંડળો નિરાશ