યુક્રેનથી (Ukraine-Russia war) વતનવાપસી કરનાર ગુજરાતના વિદ્યાર્થીઓ (Students From Gujarat)દિલ્લીથી બસ દ્વારા ગુજરાત માટે રવાના થયા છે. આ વિદ્યાર્થીઓએ તેમની સમસ્યા સરકાર સુધી પહોંચાડવા મદદરૂપ બનવા માટે tv9 ગુજરાતીનો આભાર માન્યો છે. આ બસમાં ભરુચ (Bharuch)ના જંબુસરની રિયા પટેલ પણ ગુજરાત પહોંચશે. ત્યારે તેણે એક વીડિયો બનાવી ટીવી9નો આભાર માન્યો હતો.
યુક્રેનમાં ફસાયેલા 32 ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઈટ મારફતે રવિવારે વહેલી સવારે 4 વાગ્યે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. આ 32 યુવા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના નવી દિલ્હી સ્થિત રેસીડેન્ટ કમિશનર આરતી કંવરના માર્ગદર્શનમાં ગુજરાત ભવન ખાતે લઈ જવાયા હતા. ત્યાંથી તેમને વાહન વ્યવહાર નિગમની વોલ્વો બસ દ્વારા સવારે 9 કલાકે ગુજરાત જવા રવાના કરવામાં આવ્યા છે.
આ તમામ ગુજરાતી વિદ્યાર્થીઓને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ આવી પહોંચેલા 32 યુવાનોના મુખ પર હેમખેમ વતન રાષ્ટ્રમાં પરત આવી ગયાનો આનંદ દેખાઈ રહ્યો હતો. દિલ્લીથી ગુજરાત આવી રહેલા આ વિદ્યાર્થીઓમાં ભરુચના જંબુસરની રિયા પટેલ પણ બસમાં ગુજરાત આવી રહી છે.
રિયાએ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત પરત ફરવાની ખુશી વ્યક્ત કરી હતી. રિયાએ ખાસ કરીને TV9 ગુજરાતીનો આભાર માન્યો હતો. રિયાનું કહેવુ છે કે જ્યારે તેઓ યુક્રેનમાં તણાવભરી સ્થિતિ વચ્ચે ફસાયેલા હતા. ત્યારે તેમની સમસ્યાઓને TV9 ગુજરાતીએ પ્રસારિત કરીને સરકાર સુધી પહોંચાડી હતી.
મહત્વનું છે કે યુક્રેનથી વાયા રોમાનિયા વિદ્યાર્થીઓ ભારત પહોંચ્યા છે. આ યુવાઓ ઉપરાંત અન્ય એક રેસ્ક્યુ ફલાઈટ દ્વારા બુડાપેસ્ટથી પણ ગુજરાતી વિદ્યાર્થીઓ રવિવારે બપોર સુધીમાં નવી દિલ્હી આવશે.
Published On - 1:35 pm, Sun, 27 February 22