
ઓપરેશન સિંદૂર દરમિયાન દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા ગુજરાત સહિત ભારતની પશ્ચિમ સરહદે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભવિષ્યમાં દુશ્મન દેશ દ્વારા ઓચિંતા કરાનારા હુમલા સામે નાગરિકોને રક્ષણ આપવાના ભાગરૂપે, પશ્ચિમ ભારતમાં આવેલા વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવતીકાલ ગુરુવારને 29મી મેના રોજ મોકડ્રીલ યોજાનાર હતી, પરંતુ વહીવટી કારણોસર ગુજરાત સરકારે મોડી રાત્રે 9-45 કલાકે ઓપરેશન શિલ્ડ અંતર્ગત કરાનાર મોકડ્રીલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
ગુજરાતના માહિતી વિભાગની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ઓપરેશન શીલ્ડ અન્વયે તા.29 મે, 2025 ને ગુરુવારના રોજ યોજવામાં આવનાર મોક ડ્રીલ વહીવટી કારણોસર મૂલતવી રાખવામાં આવી છે. આ માટેની નવી તારીખ વિશે આગામી સમયમાં જાણ કરવામાં આવશે. આથી સંબંધિત સર્વેને નોંધ લેવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાનને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠાના જિલ્લા કલેકટરે સોશિયલ મીડિયામાં મોકડ્રીલ પડતુ મુકવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત કરી છે.
સરકારશ્રી દ્વારા મળેલી સૂચના મુજબ વહીવટી કારણોસર આવતીકાલે બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર મોકડ્રીલ તેમજ બ્લેક આઉટ મોકૂફ રાખવામાં આવેલ છે. જેની નોંધ લેવા વિનંતી.
— Collector & DM Banaskantha (@CollectorBK) May 28, 2025
આ અગાઉ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના ઓચિંતા હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને ચકાસવા દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ‘ઓપરેશન શિલ્ડ’નું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદ શહેર અને જિલ્લામાં તારીખ 29મેના રોજ વિવિધ સ્થળોએ સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ છ સ્થળોએ પર સાંજે પાંચ વાગ્યાથી જુદી જુદી છ પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરવામાં આવનાર હતો. સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંતર્ગત સાઇલેન્ટ રિકોલ અને વોલેન્ટિયર મોબિલાઇઝેશન, એર રેડ સિમ્યુલેશન, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટીવેશન, બ્લેકઆઉટ પ્રોટોકોલ્સ, બ્લડ ડોનેશન તથા ઈવેક્યુએશન ડ્રીલ સહિતની એક્સરસાઇઝ પરફોર્મ કરવામાં આવનાર હતું. અગાઉ જાહેરાત કરવામા આવી હતી કે મોકડ્રીલ યોજાશે પરંતુ છેલ્લી ઘડીએ, આ મોકડ્રીલ રદ કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં લાલ દરવાજા ખાતે જનરલ અવેરનેસ એક્સરસાઇઝ, કાંકરિયા લેક ગેટ નંબર ૦1 ખાતે એર રેડ વોર્નિંગ, નાગરિક સંરક્ષણ કચેરી ખાતે એક્ટીવેશન ઓફ એન.ઈ. લાઈન, ખાડિયા ખાતે બ્લેકઆઉટ (રાત્રે 7.45 કલાકે) તથા બાપુનગર વિસ્તારમાં બ્લડ ડોનેશનની એક્સરસાઇઝ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યમાં વિરમગામ ખાતે આ પ્રકારની એક્સરસાઇઝ સિવિલ ડિફેન્સ અભ્યાસ કરવાનું આયોજન કરાયું હતું. જે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું છે.
મોકડ્રીલ મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત થઈ તે પહેલા, અમદાવાદ જિલ્લા કલેકટર સુજીત કુમારે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ, અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સના માધ્યમથી સિવિલ ડિફેન્સ અભ્યાસના આયોજન તથા અમલીકરણ અંગે સમીક્ષા કરીને વધુમાં વધુ નાગરિકોને અભ્યાસમાં સહભાગી બનાવવા તાકીદ કરી હતી. જો કે હવે નવેસરથી જાહેર થનાર તારીખે લોકોને વધુને વધુ સંખ્યામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાશે.
Published On - 9:11 pm, Wed, 28 May 25