
Shocking details of crashed AI 171 plane : અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 ટેક ઓફ થયાની બીજી જ મિનિટે જમીન પર તુટી પડ્યું હતું. જેમાં સવાર એક સિવાયના તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરના મોત થયા છે. આ દુર્ધટના અંગે, હાલમાં તો એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) તપાસ કરી રહી છે, તેની સાથે સાથે અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) તેમજ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) તપાસમાં જોડાયું છે. આ તમાસ એજન્સીઓની તપાસ બાદ જે કોઈ તારણ સામે આવે તે ખરું પરંતુ આ દરમિયાન એર ઈન્ડિયા સાથે સંકળાયેલા સૂત્રોએ તુટી પડેલા એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 અંગે ચોકાવનારી માહિતી પૂરી પાડી છે.
એર ઈન્ડિયા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર્સની જૂન 2023માં તેની જાળવણી બાબતે વ્યાપકપણે તપાસ કરવામાં આવી હતી. હવે પછીની સંપૂર્ણ તપાસ આ વર્ષે ડિસેમ્બરમાં થવાની હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર્સ લગભગ 12 વર્ષ જૂનુ વિમાન હતું. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર્સના જમણા એન્જિનનું માર્ચ 2025માં ઓવરહોલ કરવામાં આવ્યું હતું. જ્યારે એન્જિન ઉત્પાદક કંપનીના પ્રોટોકોલ મુજબ ડાબા એન્જિનનું એપ્રિલ 2025માં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સત્તાવાર સૂત્રોનો દાવો છે કે, એન્જિન અને વિમાનમાં કોઈ સમસ્યા નહોતી. પરંતુ આ દુર્ધટના બાદ, DGCA એ એર ઇન્ડિયાના બોઇંગ 787-8/9 વિમાનની સલામતી અંગે તપાસ વધારવાનો આદેશ આપ્યો છે. એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) અકસ્માતની તપાસ કરી રહ્યું છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, વિમાનની એક વિમાનની સલામતી તપાસ કરવામાં આવી રહી છે અને નવ વિમાનોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. એરલાઇનના કાફલામાં કુલ 26 લેગસી બોઇંગ 787-8 અને સાત બોઇંગ 787-9 છે.