
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં લોકોને કડકડતી ઠંડી સહન કરવી પડશે. તો બીજી તરફ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીંજવતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે. લા નીનોની અસરને લીધે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે. તેમજ ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડી પડશે. આ ઉપરાંત કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા છે. વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં ઠંડી અને માવઠાની શક્યતા છે.
ઉત્તર ભારતની બર્ફીલી લહેરનો પ્રભાવ ગુજરાત સુધી પહોંચવા થોડો સમય લાગી શકે છે. અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ ડબલ સિઝનની અનુભૂતિ થઇ રહી છે. સવારે અને રાતના સમય પર પારો ગગડી રહ્યો છે. પણ વાતાવરણમાં કોઇ ખાસ બદલાવના સંકેત દેખાતા નથી.
તો બીજી તરફ ગુજરાતમાં ડબલ સિઝનનો અનુભવ થઇ રહ્યો છે.ડિસેમ્બર શરૂ થયાને એક અઠવાડિયા પછી પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળતો નથી. આગામી 7 દિવસ વાતાવરણમાં ફેરફાર નહીં થાય. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ની આસપાસ રહેશે. ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાયો છે. સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ઓછું તાપમાન નોંધાયું છે. નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી ઓછુ તાપમાન નોંધાઈ રહ્યું છે.
તેમજ રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં તથા દીવ,દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેમજ બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે રહ્યું હતું. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે ગયું હતું. તો આગામી સાત દિવસ સુધી તાપમાનમાં ઘટાડો આવે તેની શક્યતા ખૂબ ઓછી છે. અત્યારે બેવડી સિઝનનો અનુભવ થઇ રહ્યો છે અને આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળશે.