સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભરતી વિવાદમાં કુલપતિ નીતિન પેથાણી બચાવની મુદ્દામાં આવી ગયા છે. તેમણે કહ્યું કે આ કોઈ પ્રકારનો વિવાદ નથી. જે ઉમેદવારોની ભલામણ કરાઈ હોય તેમની જ પસંદગી કરવામાં આવી હોય તો વિવાદ સર્જાય. પરંતુ કોઈ ઉમેદવારની પસંદગી કર્યા વિના ભરતી પ્રક્રિયા જ રદ કરવામાં આવી છે. કુલપતિએ દાવો કર્યો કે ભરતી પ્રક્રિયા તદ્દન પારદર્શક રીતે જ થાય છે. કોઈ ભલામણોને ધ્યાનમાં લેવામાં નથી આવતી. તેમણે કહ્યું કે તેઓ આવા 50 વ્હોટ્સએપ ગ્રૂપમાં છે. તેમણે કોઈ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી. કુલપતિએ એવો પણ દાવો કર્યો કે વાયરલ થયેલા સ્ક્રિન શોટને ભરતી પ્રક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી. જોકે સવાલ એ થાય છે કે જો સ્ક્રિન શોટને ભરતી પ્રક્રિયા સાથે કોઈ લેવાદેવા ન હોય તો ભરતી પ્રક્રિયા શા માટે રદ કરવામાં આવી ?
મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોના એક વ્હોટ્સએપ ગ્રૂપમાં અધ્યાપકોની ભરતી માટે ઉમેદવારોના નામની ભલામણ કરવામાં આવી હતી. કેટલાક સિન્ડિકેટ સભ્યોએ પોતાના સગાઓના નામની ભલામણ કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ વિવાદ વકરતાં યુનિવર્સિટીએ ભરતી પ્રક્રિયા જ રદ કરી દીધી હતી. સમગ્ર વિવાદમાં એવી પણ હકીકત સામે આવી છે કે ભરતી માટે જે લોકોની ભલામણ કરવામાં આવી હતી, તેમાંનો એક શખ્સ વર્ષ 2013ના ડમી કાંડમાં પણ પકડાયો હતો. ડમી કાંડના આરોપી સોહિલ જેરિયાની ભરતી કરવા માટે સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણે ભલામણ કરી હતી. સોહિલ 8 વર્ષ પહેલા LLBના પ્રથમ સેમેસ્ટમાં ડમી વિદ્યાર્થી તરીકે પકડાયો હતો.તે NSUIના પૂર્વ નેતા આદિત્યસિંહ ગોહિલનું પેપર લખતા પકડાયો હતો. સવાલ એ ઉઠે છે કે ડમી કાંડમાં પકડાઈ ચૂકેલા શખ્સની ભરતી માટે શા માટે ભલામણ કરવામાં આવી? જોકે સત્તાધીશો દાવો કરી રહ્યા છે કે ભરતી પ્રક્રિયા પારદર્શક છે.