ડાંગ જિલ્લાના સાપુતારામાં આભ ફાટયું, જિલ્લામાં સરેરાશ છ ઇંચ વરસાદ નોંધાયો

| Edited By: | Updated on: Sep 29, 2021 | 3:16 PM

ભારે વરસાદને પગલે જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણાં, ધોધડ સહિતની નદીઓ, નાળાઓ, કોતરડા અને ધોધ ગાંડાતુર બનીને વહી રહ્યા છે. જેને પગલે તંત્રે નદી કિનારાના, અને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે.

ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ગિરિમથક સાપુતારા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 11 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જેને પગલે જિલ્લાની નદીઓ, નાળા અને ધોધ ગાંડાતૂર બનીને વહી રહ્યા છે. ભારે વરસાદને પગલે તંત્રએ નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. જ્યારે ડાંગ જિલ્લાના 22 જેટલા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.

ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આહવા તાલુકામા 162 મિમી, વઘઇમાં 124 મિમી, સુબિરમાં 103 મિમી અને ગિરિમથક સાપુતારા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 268 મિમી વરસાદ મળી જિલ્લામાં સરેરાશ 164.25 મિમી વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદને પગલે જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણાં, ધોધડ સહિતની નદીઓ, નાળાઓ, કોતરડા અને ધોધ ગાંડાતુર બનીને વહી રહ્યા છે. જેને પગલે તંત્રે નદી કિનારાના, અને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. ડાંગમા પડી રહેલાં ભારે વરસાદને લઈને જિલ્લાના કંટ્રોલ રૂમ ખાતે રાતભર ચહલપહલ રહી હતી.

વઘઇ તાલુકાના સૂપદહાડ-સૂર્યા બરડા રોડ, નાનાપાડા-કુમારબંધ રોડ, સુસરદા વી.એ. રોડ, આહેરડી-બોરદહાડ રોડ, ચીખલદા-ધાનગડી રોડ, ખાતળ ફાટકથી ઘોડી રોડ, દોડીપાડા-ચીકાર ફળિયા રોડ, દગડીઆંબા-બરડા રોડ, ગોદડીયા-પાંઢરમાળ રોડ સહિતના રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેને પગલે રાહદારીઓ, વાહન ચાલકો, અને પશુપાલકોને વૈકલ્પિક માર્ગોના ઉપયોગ માટેની અપીલ કરવામા આવી છે. એમ જિલ્લાના કુલ 22 જેટલા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.