
સાબરકાંઠાની સાબર ડેરીમાં ચેરમેન પદને લઈને ચાલી રહેલી રાજકીય અને સહકારી ક્ષેત્રની હલચલ વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે શુક્રવારે યોજાનારી સાબર ડેરીના ચેરમેન પદની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી મોકૂફ રાખવાના નિર્ણયથી ડેરીના રાજકારણમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે.
ચેરમેન પદ મેળવવા માટે દાવેદારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી હતી. ડેરીના સત્તાના સમીકરણો પોતાના પક્ષમાં કરવા માટે વિવિધ સ્તરે પ્રયાસો થઈ રહ્યા હતા. ચૂંટણી પહેલાં જ ડિરેક્ટરોને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ સામે આવી હતી. જેના કારણે સાબર ડેરીની ચૂંટણી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી.
આ સમગ્ર મામલે TV9 ગુજરાતી દ્વારા પણ સાબર ડેરીના વહીવટ અને ચૂંટણી પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ડિરેક્ટરોના હોર્સ ટ્રેડિંગના આક્ષેપો અને તેના સંબંધિત અહેવાલો દ્વારા સમગ્ર ઘટનાક્રમને સામે લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડેરી સાથે જોડાયેલા પશુપાલકોની સમસ્યાઓ અને તેમની વ્યથાને પણ TV9એ વાચા આપી હતી.
સાબર ડેરી માત્ર એક સહકારી સંસ્થા નથી, પરંતુ હજારો પશુપાલકોની આજીવિકા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સંસ્થા છે. આવી સ્થિતિમાં ડેરીના વહીવટ અને ચેરમેન પદની ચૂંટણીને લઈને ઊભા થયેલા સવાલો પશુપાલકોમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે.
હાલ ચૂંટણી મોકૂફ રાખવામાં આવતા હવે ચેરમેન પદની ચૂંટણી ક્યારે યોજાશે અને ડેરીના સત્તાના સમીકરણોમાં આગળ શું ફેરફાર થશે તેના પર સૌની નજર છે. ચૂંટણી મોકૂફ રાખવા પાછળનું સત્તાવાર કારણ અને આગામી ચૂંટણીની તારીખ અંગેની સ્પષ્ટતા સામે આવ્યા બાદ સમગ્ર ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
ચૂંટણી પહેલાં સાબર ડેરીમાં નવો ધડાકો! ભાવફેરના રૂપિયાના વ્યવહારની ઓડિયો ક્લિપ વાયરલ