રાજ્યમાં તમામ લોકસભા બેઠક પર સોમવારે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક માટે સોમવારે પ્રદેશ ભાજપના નિરીક્ષકો હિંમતનગર આવી પહોંચ્યા હતા. જ્યાં હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા યોજી હતી. સાંજે ચાર વાગ્યાના અરસા દરમિયાન શરુ થયેલ પ્રક્રિયા રાત્રીના 10 વાગ્યાના અરસા દરમિયાન સમાપ્ત થઈ હતી. નિરીક્ષકો સમક્ષ દાવેદારોની રજૂઆતો મુજબ અંતે લાંબી યાદી થઈ હતી. જે 34 જેટલા નામો હોવાની ચર્ચા રહી હતી.
સાબરકાંઠા લોકસભા બેઠક વિસ્તારમાં બે જિલ્લાઓનો સમાવેશ થાય છે. અરવલ્લી અને સાબરકાંઠા એમ બે જિલ્લાના હોદ્દેદારો અને પદાધિકારીઓને સાંભળવામાં આવ્યા હતા. જેમાં નિરીક્ષકો સામે પોતાના મત રજૂ કર્યા હતા. ખાસ કરીને કેટલાક દાવેદારોએ ગોઠવણ પૂર્વકની રજૂઆત સેન્સમાં કરાવી હોવાની પણ ચર્ચા સર્જાઈ હતી.
લોકસભાની ચૂંટણીને લઈ છેલ્લા કેટલાક સમયથી દાવેદારો પોતાના તરફી પ્રયાસ શરુ કરતા નજર આવી રહ્યા હતા. પરંતુ હવે સેન્સ પ્રક્રિયા યોજાતા દાવેદારોના નામને લઈ સેન્સ પ્રક્રિયા યોજાતા જેમાં અનેક સામે આવ્યા હતા. જોકે કેટલાકની દાવેદારીતો જ્ઞાતિગત સમીકરણ કે અન્ય રાજકીય ગણિતની રીતે નબળા હોય એવા દાવેદારો પણ સામે આવ્યા હતા અને તેમના તરફી ટેકેદારો મારફતે નામ રજૂ કરવામાં આવ્યા હતા.
જોકે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ ફરી ત્રીજીવાર લોકસભા ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હોવાનું ચર્ચામાં રહ્યુ હતુ. તેઓએ વિવાદ વિના બે ટર્મ સાંસદ તરીકે પૂર્ણ કરી છે. જ્યારે પૂર્વ સાંસદ અને પૂર્વ રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન જયસિંહ ચૌહણ પણ ટિકિટ માટે દાવેદાર રહ્યા હતા. તેઓ નિરીક્ષક તરીકે દક્ષિણ ગુજરાતમાં હતા, પરંતુ તેમના ટેકેદારોએ તેમનું નામ ચર્ચામાં રાખ્યુ. હતુ. પૂર્વ ધારાસભ્ય અને એડવોકેટ મહેન્દ્રસિંહ બારીયાને માટે પણ પદાધીકારીઓ અને હોદ્દેદારોએ રજૂઆત કરી હતી.
અરવલ્લી જિલ્લામાંથી ભીખીબેન પરમારનું અને ભીખાજીનું નામ ઉભરી આવ્યુ હતુ. મહિલા અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ભીખીબેન માટે રજૂઆત કરવામાં આવી હતી. ઇડર અને વડાલીમાંથી અશ્વિન પટેલનું નામ રજૂ કરવામાં આવ્યુ હતુ. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા પણ ઇડર ક્ષેત્ર તરફથી સેન્સ આપવા માટે પહોંચ્યા હતા.
પૂર્વ પ્રધાન અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ પણ પોતાના મતને રજૂ કરીને બેઠકમાં પોતાના વિસ્તારના રાજકીય ગણિતને રજૂ કર્યુ હતુ. લોકસભા બેઠક માટે સામાજિક ગણિત મહત્વનું પાસુ છે. જેમાં શિક્ષિત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ પર એકંદરે રજૂઆતમાં ભાર રહ્યો હતો. લોકસભા બેઠક વિસ્તારમાં હળીમળીને રહેવા સાથે કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યોને લાગુ કરે એવા ઉમેદવારની પસંદગી માટેનો સૂર જોવા સેન્સ દરમિયાન જોવા મળ્યો હતો. જેથી આગામી પાંચ વર્ષમાં વિકાસની ગતિ વધુ ઝડપી આ વિસ્તારમાં બની રહે.
Published On - 10:08 am, Tue, 27 February 24