ભાજપે દિપસિંહને પડતા મુકીને, સાબરકાંઠાના ચૂંટણી જંગમાં નવા ચહેરા તરીકે ઉતારેલા ભીખાજી ઠાકોર કોણ ?

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારમાંથી આવતા ઉમેદવારને ભાજપે બીજી યાદીમાં પસંદ કરીને જાહેર કર્યા છે.

ભાજપે દિપસિંહને પડતા મુકીને, સાબરકાંઠાના ચૂંટણી જંગમાં નવા ચહેરા તરીકે ઉતારેલા ભીખાજી ઠાકોર કોણ ?
ભીખાજી ઠાકોરને આપી ટિકિટ
| Updated on: Mar 15, 2024 | 9:35 AM

રાજ્યનામાં 11 લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગી ભાજપે કરવાની બાકી હતી. આ દરમિયાન ભાજપે બીજી યાદી પસંદ કરતા રાજ્યની 7 બેઠકોના ઉમેદવારોને પસંદ કર્યા હતા. જેમાં સાબરકાંઠાના વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડની ટિકિટ કાપી હતી. દિપસિંહ રાઠોડને કાપીને ભાજપે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.

ભીખાજી દુધાજી ઠાકોર હાલમાં અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે અને સાથે જ સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ પણ ધરાવે છે. આમ ભાજપે અરવલ્લી જિલ્લામાંથી ઉમેદવારને પસંદ કર્યા છે.

કોણ છે ભાજપના ઉમેદવાર? જાણો

ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને કાપીને નવા ચહેરાને તક આપી છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા મેઘરજ તાલુકાના હીરાટીંબા ગામના ભીખાજી ઠાકોરને પસંદ કર્યા છે. ભીખાજી ઠાકોર ધોરણ 10 પાસ છે. તેઓ 56 વર્ષની વય ધરાવે છે.

ભીખાજી ઠાકોર અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2000, 2005 અને 2015માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ દરમિયાન તેઓ એક વાર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પદ પર રહ્યા હતા.

સહકારી આગેવાન પણ રહ્યા

મેઘરજ માર્કેટયાર્ડના ડિરેક્ટર તરીકે પણ લાંબો સમય ચૂંટાયા હતા. આ ઉપરાંત મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર, વાઇસ ચેરમેન રહ્યા છે. અરવલ્લી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પણ હાલમાં વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે 2022 થી મેઘરજ એપીએમસીના ચેરમેન તરીકે કાર્યરત છે. તેમજ હાલમાં સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ પદ પર છે.

આ પણ વાંચો: હિંમતનગરમાં આંગડીયા કર્મી લૂંટાયો, પોલીસની ઓળખ આપીને 49.40 લાખના સોના-ચાંદીની લૂંટ

દિપસિંહ રાઠોડ 2 ટર્મ રહ્યા સાંસદ

વર્તમાન સાંસદને ટિકિટ કાપીને ભીખાજી ઠાકોરને ભાજપે ઉમેદવાર પસંદ કર્યા છે. વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડ 2 ટર્મથી ભાજપના સાંસદ તરીકે રહ્યા છે. તેઓ વર્ષ 2014માં પ્રથમ વાર ઠાકોર સમીકરણ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે 2019માં તેઓને રિપિટ કરવામાં આવ્યા હતા. દિપસિંહ રાઠોડ અગાઉ પ્રાંતિજ થી બે ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. તેમને વર્ષ 2007માં રિપિટ કરવામાં આવ્યા નહોતા. ત્યાર બાદ તેઓ સંગઠનમાં સક્રિય રહ્યા હતા. 2014માં તેઓ ભાજપે ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:13 pm, Wed, 13 March 24