Sabarknatha: પશુપાલકો માટે સારા સમાચાર, સાબરડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો
Sabardairy Milk Price: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર દિવાળીના તહેવારો અગાઉ સાબરડેરીએ આપ્યા છે. સાબરડેરી દ્વારા તહેવારો પહેલા જ પશુપાલકોને માટે દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોને મોટો લાભ નવા ભાવ વધારાને લઈ થશે. સાબરડેરી દૈનિક 45 લાખ લીટર દૂધ સંપાદન કરે છે. દૂધના ખરીદ ભાવની અમલવારી આગામી 11 નવેમ્બરથી શરુ કરવામાં આવશે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. સાબરડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. એટલે હવે પ્રતિકિલો ફેટ દીઠ પશુપાલકો માટે ભાવમાં વધારો જાહેર કરતા ખેડૂતોનો પશુપાલનમાં મોંઘવારી વચ્ચે મોટી રાહત સર્જાઈ છે. અત્યાર સુધી ભેંસના દૂધમાં 830 રુપિયા પ્રતિકિલો ફેટ દીઠ ચુકવવવામાં આવતા હતા. હવે નવા ભાવ મુજબ પશુપાલકોને 840 રુપિયા ચુકવવામાં આવશે.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર આવતા સ્ટેશનોને તેના શહેરની ઓળખ પ્રમાણે અપાશે રંગ રૂપ
દૂધના ખરીદ ભાવની અમલવારી આગામી 11 નવેમ્બરથી શરુ કરવામાં આવશે. એટલે કે દિવાળીના તહેવારો વખતે પશુપાલકોને નવા ભાવ મળી રહેશે. સાબરડેરી દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી 28 લાખ લીટર દુધ દૈનિક સંપાદન કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દૂધના સંપાદનને મળીને 45 લાખ લીટર દૂધની આવક સાબરડેરી ધરાવે છે. સાડા ત્રણ લાખ પશુપાલકોને નવા ભાવનો સીધો લાભ થશે. જેને લઈ હવે સાબરડેરી 4 કરોડ રુપિયા વધુ પશુપાલકોને ચુકવશે.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો