છેલ્લા કેટલાય સમયથી સ્વામીનારાયણ સંપ્રદાયના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. તાજેતરમાં દ્વારકામાં ભગવાન ન હોવાનો તેમનો વિવાદ હજુ શમ્યો નથી ત્યા વધુ એક હરીભક્તે બફાટ કર્યો છે. મુંબઈના ઘાટકોપર ખાતે યોજાયેલી એક સભાનો વીડિયો વાયરલ થયો છે. જેમા પ્રબોધ સ્વામીના અનુયાયીએ પ્રબોધ સ્વામીએ ગંગાજીને પવિત્ર કરી હોવાનું નિવેદન આપ્યુ. હરીભક્તના આ નિવેદનથી સગર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મુંબઈના ઘાટકોપરમાં આયોજિત એક કાર્યક્રમના વાયરલ થયેલા વીડિયોમાં એક હરિભક્ત કહે છે કે મહાકુંભમાં પવિત્ર ગંગા નદીના પ્રવાહને પવિત્રતા આપનારા સ્વામિનારાયણ સંત પ્રબોધ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે.
આ નિવેદન બાદ સગર સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
દરેક સનાતની માટે ગંગા નદી માત્ર જળસ્ત્રોત નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતિક છે. શિવજીની જટામાંથી નીકળતી ગંગાને હિંદુ ધર્મમાં અતિ પવિત્ર નદી ગણવામાં આવે છે. તેના સ્નાન માત્રથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો મુજબ, ભગીરથે ગંગાને ધરતી પર ઉતારવાની કથા પ્રચલિત છે. પ્રબોધ સ્વામીના અનુયાયીના આ નિવેદનને સગર સમાજે તેમના પૂર્વજોના મહાન કાર્યનું અપમાન ગણાવી આક્રોષ વ્યક્ત કર્યો છે. આ વાયરલ વીડિયો સામે રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે સગર સમાજના અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કલેક્ટર ગેરહાજર હોવાને કારણે તેમના પ્રતિનિધિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં માગણી કરવામાં આવી કે પ્રબોધ સ્વામી અને તેમના અનુયાયીઓ સગર સમાજ સમક્ષ માફી માગે અને વિવાદિત નિવેદન આપનાર હરિભક્ત સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
સગર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને જો તેમની માગણીઓ પર ધ્યાન નહીં અપાય, તો આંદોલનને વધુ મજબૂત બનાવવામાં આવશે, તેવી ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. હવે જોવાનું રહેશે કે સંપ્રદાય તરફથી શું નિવેદન આવે છે અને સગર સમાજની માગણીઓનો શું નિષ્કર્ષ નીકળે છે.
With Input- Mohit Bhatt- Rajkot
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો