Rajkot: દેશનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતની શાંતિ ડહોળવાનો હિન પ્રયાસ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી નશાના કારોબાર અને આ રૂપિયાથી દેશ વિરોધી પ્રવૃતિઓ કરવાના ષડયંત્રો ખુલ્લા પડી રહ્યા છે. ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસમાં સૌરાષ્ટ્ર એપી સેન્ટર બની રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી આંતરરાષ્ટ્રીય બોર્ડર જોડાયેલી છે અને એટલા માટે જ આ પ્રવેશદ્રાર થકી સમૃધ્ધ ગુજરાત પર આતંકી ડોળો મંડાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
ગુજરાત, ભારતના શાંત અને સુરક્ષિત રાજ્યમાં જેની ગણના થાય છે પરંતુ આ જ ગુજરાત પર હવે આતંકી ઓછાયો જોવા મળી રહ્યો છે અને શાંત અને સમૃદ્ધ ગુજરાતને ખલેલ પહોંચાડવાના નાપાક ઇરાદાઓ ખુલ્લા પડી રહ્યા છે. તાજેતરમાં રાજકોટની સોની બજારમાં ત્રણ બંગાળી આતંકીઓ પકડાવાની ઘટના પરથી એ વાત સમજી શકાય છે કે આતંકવાદીઓના તાર કેટલે સુધી ફેલાયેલા છે જો કે ગુજરાત પોલીસ આવા નાપાક ઇરાદાઓને હંમેશા નાકામિયાબ કરીને જડબા તોડ જવાબ આપે છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર આતંકીના ટાર્ગેટમાં પહેલાથી જ રહ્યું છે. અહીંનો દરિયાકિનારો આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડે છે અને એના કારણે છેલ્લા કેટલાક સમયથી પંજાબ અને જમ્મુ કાશ્મીરના બદલે આતંકીઓ માટે પ્રવેશદ્રાર સૌરાષ્ટ્રનો દરિયા કિનારો બન્યું છે. ગુજરાતના દરિયાકિનારા કિનારાથી ડ્રગ્સનો જથ્થો દેશભરમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. જો કે સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે આ જથ્થો પકડી પાડવામાં આવે છે. ગુજરાત પોલીસ દ્રારા છેલ્લા 7 વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 40 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જો આંકડાઓ પર નજર કરીએ તો
14.05.2023
જામનગર નેવી ઇન્ટેલિજન્સ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 12 હજાર કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું 2,500 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ડ્રગ્સના 135 પેકેટ સાથે પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી.
13-05-2023
રાજકોટના ખંડેરી સ્ટેડિયમની પાછળથી 214 કરોડની કિંમતનું 30.600 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જેમાં ગુજરાત ATS દ્વારા નાઈજિરિયન શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
04-05-2023
કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. બીએસએફ અને નેવી ઇન્ટેલિજન્સની ટીમે 1.7 કરોડની કિંમતનું 1.7 કિલો મેથેમફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ 1 કિલોમાંથી 20થી 15 કિલો એમડી ડ્રગ્સ બને તેટલું સ્ટ્રોંગ હોય છે.
29-04-2022
પીપાવાવ પોર્ટ પરથી 450 કરોડનું 90 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાત ATS અને DRI ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી હતી. પીપાવાવ પોર્ટ પર ડિસેમ્બર 2021માં આવેલ કન્ટેનરની અંદર લગભગ 395 કિલો જેટલી સૂતળી હતી. લિક્વિડ ફોર્મમાં રહેલાં હેરોઈનમાં આ સૂતળી ડૂબાડવામાં આવી હતી અને આ રીતે હેરોઈનયુક્ત સૂતળીને એક્સપોર્ટ કરી કન્ટેનરમાં નાખીને મોકલવામાં આવી હોવાનો પર્દાફાશ થયો હતો.
14-11-2021
મોરબીના નવલખી પોર્ટ નજીક આવેલા ઝીંઝુડામાં ATS દ્વારા 600 કરોડ રુપિયાની કિંમતના 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું. મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દી સૈયદ, હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા અને ગુલામ હુસૈન નામના ત્રણ આરોપી પકડાયા હતા. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં માલની ડિલીવરી મધદરિયેથી લેવામાં આવી હતી. જ્યાંથી માલ લાવીને દ્વારકાના દરિયા કિનારે સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં મુખ્તારના કાકાના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. ગુલામ અને ઝબ્બાર અવારનવાર દુબઇ જતા હતા, જ્યાંથી તેઓ પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી.
09-11-2021
દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી રૂ. 315 કરોડની કિંમતનું 63 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનો ખુલાસો થયો હતો.
15-09-2021
મુન્દ્રા પોર્ટ ઉપર ઈમ્પોર્ટ કરાયેલા ટેલ્કમ પાઉડરના નામે 21 હજાર કરોડની કિંમતનું 3000 કિલો હેરોઈન DRIએ પકડ્યું હતું.
06-01-2021
જખૌ પાસેથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈન સાથે છ આરોપીને પકડી પાડ્યા હતા.
એપ્રિલ-2021
મુન્દ્રા પોર્ટ નજીકથી આઠ પાકિસ્તાની 3000 કરોડના હેરોઈન સાથે પકડાયા હતા.
મે-2019
જખૌના દરિયા કિનારે અલ મદીના જહાજમાંથી 280 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિક ઝડપાયા હતા.
27-03-2019
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદર પાસે બોટ આંતરીને 500 કરોડની કિંમતનું 100 કિલો હેરોઈન અને 25 કરોડ કિંમતના MD ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં 11 આરોપી પકડાયા હતા.
12-08-2018
ગુજરાત ATSની ટીમે સલાયા નજીક બોટમાં હેરોઈનની હેરાફેરી કરતાં પાંચ શખ્સને પકડ્યા હતા. તેઓની પાસેથી 15 કરોડની કિંમતનું 8 કિલો હેરોઈન કબ્જે કરાયું હતું.
20-12-2016
મુન્દ્રાના અદાણી પોર્ટ ઉપરથી નીકળેલા જહાજમાંથી શ્રીલંકામાં 800 કિલો કોકેઈન પકડાયું હતું, જેની કિંમત 1200 કરોડ હતી. આ કન્સાઈન્મેન્ટ ગાંધીધામની ટીમ્બર પેઢીના નામે હતું અને જહાજ સાઉદી અરેબિયાથી ભારત આવ્યું હતું.
9 જૂન 2023
આ દિવસે પોરબંદરના રેલવે સ્ટેશનથી ત્રણ કશ્મીરી યુવાનો અને તેની સાથે કામ કરતા વધુ એક મહિલાની સુરતથી એટીએસ દ્રારા ધરપકડ કરવામાં આવી હતી અને આઇએસઆઇએસના મોડ્યુલ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKIP )નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ આતંકીઓ પોરબંદરના દરિયા માર્ગેથી આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરીને ઇરાન અને ત્યાંથી અફઘાનિસ્તાન જવાના હતા. આ આતંકીઓ કશ્મીરના હેલ્ડલરના સંપર્કમાં હતા અને ત્યાંથી કમાન્ડના આધારે ફિદાઇન હુમલાની ફિરાકમાં હતા. આતંકીઓએ અફઘાનિસ્તાન જવા માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને પ્રવેશદ્રાર બનાવ્યું હતું. જો કે સુરક્ષા એજન્સીઓએ આ ઇરાદાઓને નિષ્ફળ બનાવી દીધા.
31 જુલાઇ 2023
રાજકોટની સોની બજારમાંથી ત્રણ બંગાળી કારીગરો આતંકી પ્રવૃતિ સાથે પકડાયા હતા. અલકાયદાની વિચારધારા સાથે સંકળાયેલા ત્રણ આતંકીઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જેહાદ ફેલાવો, અલ કાયદા માટે ફંડ એકત્ર કરવું અને જન્માષ્ટમીના તહેવારમાં હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા. જો કે પોલીસે આ શખ્સોને પકડી પાડ્યા છે. રાજકોટની સોની બજારમાં કોઇપણ પ્રકારના રજીસ્ટ્રેશન વગર હજારો બંગાળી કારીગરો વસવાટ કરે છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મોટી બાબત કહી શકાય છે.
શા માટે ગુજરાત નિશાને ?
રક્ષા વિશેષજ્ઞ કેપ્ટન જયદેવ જોશી (રિ.)ના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પાડોશી દેશો સાથે જોડાયેલો છે.જેના કારણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશોએ અન્ય દેશો અને ભારતના બીજા વિસ્તારોમાં ડ્રગ્સ પહોંચાડવામાં દરિયાઇ માર્ગે સહેલું પડી શકે છે જેના કારણે આ બોર્ડર પર દરિયાઇ માર્ગે આ જથ્થો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં હિન્દુત્વ પર પ્રહાર
ડ્રગ્સની સાથે ગુજરાતમાં આતંકી પ્રવૃતિઓ પુરજોશમાં વધી રહી છે.જેના મૂળમાં ગુજરાત પર નિશાન બનાવીને દેશનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ છે.ગુજરાત મોડેલ કે જે સમૃધ્ધિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં જેહાદ ફેલાવીને ગુજરાત સહિત દેશભરનું વાતાવરણ ડહોળાવીને સમૃદ્ધિ અટકાવવાનો એક પ્રયાસ દુશ્મન દેશ કરી રહ્યું છે.
1600 કિલોમીટર લાંબો ગુજરાતનો દરિયા કિનારો છે અને લાખો માછીમારો ગુજરાત અને દેશની દરિયાઇ સરહદ પર માછીમારી કરવા માટે જાય છે.જો કે સૌરાષ્ટ્રના દરિયાકિનારાની ભૌગોલિક પરિસ્થિતિ આતંકીઓને સરળ બને છે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જ કુલ 33 ટાપુઓમાંથી 4ને બાદ કરતા બાકીના તમામ 29 ટાપુઓ નિર્જન છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 અને જામનગર જિલ્લાના 8 મળીને આ તમામ 29 ટાપુઓ પ્રતિબંધિત છે જેના લીધે ત્યાં માછીમારી થતી નથી અને પેટ્રોલિંગ પણ મર્યાદિત જ થતું હોવાથી આમાંથી ચોક્કસ ટાપુઓ ગેરકાયદે પ્રવૃત્તિઓનું કેન્દ્રસ્થાન પણ બને છે જો કે સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસની સતર્કના કારણે આ નાપાક મનસુબાઓ સફળ થતા નથી.
જમ્મુ કાશ્મીર અને પંજાબ બાદ ગુજરાત પણ આતંકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે પરંતુ ગુજરાત સરકાર દ્રારા સુરક્ષાને લઇને તમામ મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાત પોલીસની સતર્કતાના કારણે ન માત્ર ડ્રગ્સના મોટા કન્સાઇનમેન્ટ પકડાઇ રહ્યા છે પરંતુ હવે તેના આશ્રય સ્થાનોના પણ ભુક્કા બોલાવીને કમ્મર તોડવાનું કામ પોલીસ કરી રહી છે.
જેમ જેમ સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટી પર આતંકી પ્રવૃતિઓ વધી રહી છે તેમ તેમ સુરક્ષા એજન્સીઓ પર એલર્ટ મોડ પર આવી ચૂકી છે. ગુજરાત પોલીસ, નેવી,કોસ્ટગાર્ડના સયુંક્ત ઓપરેશનથી ગુજરાતની દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સનો જથ્થો આવતાની સાથે જ તેને પકડી પાડવામાં આવી રહ્યો છે. જેના કારણે હવે આતંકીઓ અને ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતની દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ ઘુસાડવું ખુબ જ અઘરૂ થઇ ગયું છે. ગુજરાત એટીએસ દ્રારા સમયાંતરે ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે.
નિર્જન બેટ પર ખાસ નજર
ગુજરાત પોલીસ દ્રારા દરિયાઇ પટ્ટી પર થતી તમામ ગતિવીધીઓ પર નજર રાખવામાં આવે છે. સર્વેલન્સની મદદથી દરિયાઇ માર્ગે આવતા બોટ પર બાઝ નજર રાખવામાં આવે છે. જામનગર અને દ્રારકામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર સમયાંતરે પોલીસ દ્રારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું હોય છે.
ગુજરાતની દરિયાઇ પટ્ટી પર બિનવારસી ડ્રગ્સ મોકલવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું હતું, જેના કારણે દરિયાઇ પટ્ટી પર ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્રારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન થકી સૌરાષ્ટ્રના બેટ દ્રારકા,પોરબંદર,ગીર સોમનાથ,હર્ષદ,નાવદ્રા સહિતના વિસ્તારોમાં દરિયા કાંઠે બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને તોડ઼ી પાડવામાં આવ્યા હતા. સરકારના આ મહત્વના નિર્ણયને કારણે ડ્રગ્સ માફિયાઓની જાણે કમ્મર તૂટી ગઇ છે. બિનવારસી હાલતમાં જથ્થો મૂકીને ગુજરાત સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ્સ પહોંચાડવાના ઇરાદાઓને તોડી પાડવામાં આવ્યા છે. આ ડિમોલેશન બાદ ડ્રગ્સ સહિત દાણચોરી કરીને આવતા જથ્થો સાચવવા માટે કોઇ અવકાશ રહ્યો નથી.
ગુજરાત ભારતનું ગ્રૌથ એન્જિન છે.અહીં વિકાસની હરણફાળ દેશને એક નવી ઉંચાઇ આપી રહી છે અને એટલા માટે જ આતંકીઓના નિશાને હંમેશા ગુજરાત રહેલું છે. છેલ્લા બે વર્ષમાં આતંકી થયેલી આતંકી પ્રવૃતિઓએ ગુજરાતને લાલ બત્તી બતાવી છે. જો કે દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને આવા નાપાક ઇરાદાઓને ભરી પીવા માટે સક્ષમ છે. પણ સાવચેતી અને સતર્કતા ખૂબ જ જરૂરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:09 pm, Tue, 8 August 23