
રાજકોટમાં નાનામોવા રોડ પર આવેલા ખાનગી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા. મહત્વનું છે કે હાલ સુધી 4 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે આ ઘટનાને લઈ સુરતમાં 24 મે, 2019 માં બનેલી તક્ષશિલા કાંડની ઘટના યાદ અપાવી છે.
સુરત તક્ષશિલા આગ ઘટના 24 મે, 2019ના રોજ સુરત, ગુજરાતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં બની હતી. આ ઘટનામાં કોચિંગ સેન્ટર સ્થિત છે, જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા અને ઘણા ઇજાગ્રસ્ત થયા. આ ઘટના ભારે હ્રદયવિદારક અને પીડાદાયક હતી, અને રાજ્ય તેમજ દેશભરમાં આ ઘટના સામે ભારે આક્રોશ અને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું.
રાજકોટમાં આ જ પ્રકારે સુરત તક્ષશિલા કાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. જેમાં કેટલાય લોકોના મોત થયા છે. હજી પણ રાહત કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં CM દ્વારા પણ ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે. રાજકોટ ગેમ ઝોન આગ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલએ રાજકોટ કલેકટર સાથે વાતચીત કરી. સમગ્ર વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે ઘટનાને લઈ યોગ્ય કવાયત કરવા આદેશ આપવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર મળે એ માટે કર્યો જરૂરી પગલાં લેવા નિર્દેશ કરાયો છે. જોકે રાજકોટની આ ઘટનામાં કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને પ્રશ્નાર્થ છે.