Rajkot : આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ મંત્રી તરીકે રાજીનામૂં આપીને અનુસૂચિત જાતિના આગેવાન વશરામ સાગઠિયાએ (vashram Sagathia ) ફરી કોંગ્રેસમાં (congress ) ઘરવાપસી કરી છે. વશરામ સાગઠિયા ફરી કોંગ્રેસમાં શામેલ થતા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જુથવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધી મંડળે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા અને વશરામ સાગઠિયાને કોંગ્રેસમાં શામેલ કરવા બાબતે ઉગ્ર રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના નેતા સુરેશ બથવાર,નરેશ સાગઠિયા સહિતના કોંગ્રેસ સાથે જોડાયેલા અનુસૂચિત જાતિના નેતાઓએ શક્તિસિંહને રજૂઆત કરી હતી કે, વશરામ સાગઠિયાએ વિધાનસભાની ચૂંટણીમાં AAP સાથે જોડાયેલા હતા અને કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.જે લોકોએ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે તેવા લોકોને કોંગ્રેસનાં લેવાનું શું કારણ ? અને પક્ષ દ્વારા જે નિર્ણય લીધો છે તે શિરોમાન્ય છે, પરંતુ આ નિર્ણય લેતા પહેલા પક્ષના સ્થાનિક કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેવા જોઇએ તેવો આગ્રહ કર્યો હતો.
રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓની રજૂઆતના પગલે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યુ હતું. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે કોંગ્રેસને મજબૂત કરવા માટે જૂના અને પક્ષથી વિખૂટા પડેલા કાર્યકર્તાઓને ફરી જોડવાનું કામ ચાલી રહ્યું છે. પક્ષમાં સામેલ કરતાની સાથે તેને જવાબદારી સોંપવામાં નહિ આવે. જવાબદારી સોંપતા પહેલા પક્ષ તેની કામગીરી જોશે અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સમીક્ષા કરશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો