ગુજરાત સહિત દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ડર જોવા મળી રહ્યો છે. જોકે, સરકાર આ વખતે કોરોનાને લઇને કોઇ બાંધછોડ કરવા માગતી નથી. અને, સંભવિત ત્રીજી લહેરને લઇને સરકાર અગમચેતીના પગલા ભરી રહી છે. આ અન્વયે રાજકોટના રેલવે સ્ટેશન પર મુસાફરોના ટેસ્ટિંગ સહિતની સુવિધાઓ વધારવામાં આવી છે.
નોંધનીય છેકે ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરલમાં હાલ કોરોનાના સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે આ બંને રાજયોમાંથી આવતા મુસાફરોનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, કેટલાક મુસાફરો ટેસ્ટિંગની પ્રક્રિયાને લઇને બેદરકાર નજરે પડયા હતા.
રાજ્ય સરકારના આદેશ મુજબ મનપા આરોગ્ય વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશનના ગેટ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું છે.જેમાં મહારાષ્ટ્રથી આવતા મુસાફરો રાજકોટ પહોંચેલા અનેક મુસાફરોએ છટક બારી પકડી હોવાનું પણ ખુલ્યું છે. આવા મોટી સંખ્યામાં મુસાફરોએ રાજકોટમાં પ્રવેશ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર પાઠવી અને મહાનગરપાલિકાને આદેશ કરવામાં આવ્યો છે કે રેલવે સ્ટેશન ખાતે દરેક મુસાફરનું આરોગ્યનું ચેકિંગ કરવામાં આવે. પરંતુ અહીં આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે અનેક મુસાફરો ટેસ્ટિંગની પ્રક્રીયાથી ભાગતા જોવા મળ્યા હતા. રાજકોટ મહાનગર પાલિકા આરોગ્ય વિભાગે ટીમ પાસે અમુક લોકોએ જ ચેકિંગ કરાવ્યું હતું. નોંધનીય છેકે મુંબઇથી રાજકોટની ટ્રેનમાં આ મુસાફરો આવ્યા હતા.