
Rajkot: રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એસજીવીપી સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતાં ધોરણ 10ના વિધાર્થીનું આજે સવારે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. દેવાંશ ભાયાણી નામનો વિધાર્થી ગુરૂપૂર્ણિમાના દિવસે સ્પીચ આપવાનો હતો. સ્પીચ આપવા માટે પોડિયમ સ્ટેજ પર તેના મિત્રો સાથે લઇ જતો હતો ત્યારે અચાનક જ તે બેભાન થઇ ગયો હતો.
તાત્કાલિક દેવાંશને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જો કે ત્યાંના તબીબ દ્રારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારજનો દ્રારા દેવાંશનું સિવીલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. એક આશાસ્પદ કિશોરનું અચાનક જ મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
Tenth standard student of SGVP school dies of heart attack #Rajkot #TV9GujaratiNews pic.twitter.com/nqALMv39vp
— Tv9 Gujarati (@tv9gujarati) July 3, 2023
દેવાંશ ભાયાણી મૂળ ધોરાજીનો રહેવાસી છે. તેના પિતા વિન્ટુ ભાયાણી પ્લાસ્ટિકનું કારખાનું ધરાવતા ઉઘોગપતિ છે અને સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. દેવાંશના દાદા ભુપતભાઇ ભાયાણી કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા સિદસર ટ્રસ્ટના ટ્રસ્ટી છે. દેવાંશ તેના પરિવારનો એકનો એક દિકરો હતો.દેવાંશ સ્વામિનારાયણ ગુરૂકૂળમાં અભ્યાસ પહેલા બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. દેવાંશ શરીરથી એકદમ ફીટ હતો જો કે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે પણ તેને કોઇ તકલીફ ન હતી પરંતુ અચાનક જ તેનું મોત નીપજ્યું હતું.
દેવાંસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વાત બહાર આવી છે. દેવાંસને નાનપણથી હ્રદયની બિમારી હોવાનું તબીબોનું પ્રાથમિક તારણ છે. દેવાંસના હ્રદયના સ્નાયુઓની દિવાસ જાડી હોવાને કારણે તેના ધબકારા અનિયમીત હોય છે તેના હ્રદયની સાઇઝ પણ અન્ય વ્યક્તિ કરતા મોટી હોય છે જેથી અનિયમીત ધબકારાને કારણે અચાનક જ હ્રદય બંધ પડી ગયું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.
આ અંગે હ્રદય રોગના નિષ્ણાંત તબીબ રાજેશ તૈલીએ જણાવ્યું હતું કે કેટલાક બાળકોને જન્મજાત હ્રદયની બિમારી હોય છે જેમાં વાલ્વ ઓછું પમ્પીંગ કરવું, હ્રદયના સ્નાયુઓની દિવાલ જાડી હોવી, હ્રદયમાં કાણું હોવું આ પ્રકારની બિમારીઓને કારણે હ્રદય બેસી જાય છે અને કેટલાક કિસ્સાઓમાં અચાનક જ મૃત્યું પણ થતું હોય છે. આ બાળકના કિસ્સામાં જે સામે આવ્યું છે તે વારસાગત બિમારી છે. આ એક સાયલન્ટ બિમારી છે જેમાં વ્યક્તિ તંદુરસ્ત હોય છે પરંતુ અચાનક જ તેનું મોત થઇ જાય છે.
આ પણ વાંચો : બનાસકાંઠાના ધાનેરા નજીક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત, જુઓ Video
ભારતમાં આવી બિમારી દર 200 વ્યક્તિએ એક વ્યક્તિને આવું થતું હોય છે.સ્નાયુઓની દિવાલ જાડી હોવાને કારણે હ્રદયના ધબકારા અનિયમીત થઇ જાય છે.ક્યારેક વધારે શારિરીક કે માનસિક શ્રમ કરવાને કારણે આ ધબકારા અનિયમીત થઇ જાય છે પરિણામે અચાનક જ મોત નીપજે છે. લોકોએ સાવચેત રહેવું જોઇએ અને આવા કિસ્સાઓમાં શરીરનું મેડિકલ ચેક અપ નિયમીત કરાવવું જોઇએ.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો