Rajkot: શહેરમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, હાઈવે પર દારૂના નશામાં ભાન ભૂલેલો શખ્સ રસ્તા પર સૂઈ ગયો

Rajkot: શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દૃશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. નશાની હાલતમાં ભાન ભૂલેલો શખ્સ જાહેર રસ્તા પર ઉંઘી ગયો. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીકનો વીડિયો વાયરલ થયો છે. જેમા દારૂના નશામાં ધૂત યુવક ભરબપોરે હાઈવે પર સૂતેલો છે.

Rajkot: શહેરમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, હાઈવે પર દારૂના નશામાં ભાન ભૂલેલો શખ્સ રસ્તા પર સૂઈ ગયો
| Edited By: | Updated on: Apr 04, 2023 | 4:54 PM

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ આ દારૂબંધી કાગળ પર હોય તેવા અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટના અમદાવાદ હાઈવે પર ગ્રીનલેન્ડ ચોકડી નજીક એક યુવક દારૂના નશામાં એવું તો ભાન ભૂલ્યો કે હાઈ વે પર જ સૂઈ ગયો હતો. આ યુવકને એટલું પણ ભાન ન હતું કે તે કઈ જગ્યાએ છે અને તે શું કરી રહ્યો છે. દારૂના નશામાં ભાન ભુલેલા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ભારે વાહનોની અવરજવર વચ્ચે રસ્તા પર સૂતો છે નશેડી યુવક

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે, તેમાં આ યુવક ભર બપોરે તડકામાં હાઈ વે પર સૂઈ ગયો છે. યુવક જે રસ્તા પર સુતો છે, ત્યાંથી અનેક ભારે વાહનો નીકળી રહ્યા છે. જેના કારણે અકસ્માતનો ભય રહે છે. આ યુવક કોણ છે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઈ શકી નથી. રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા આ પ્રકારના દૃશ્યો એક સપ્તાહમાં સતત ત્રીજીવાર સામે આવ્યા છે.

અગાઉ સિવિલ હોસ્પિટલ ચોકનો વીડિયો થયો હતો વાયરલ

અગાઉ રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રખડતું જીવન ગુજારતા એક વ્યક્તિએ હોસ્પિટલ ચોકમાં સામાન્ય માણસને અડચણ આવે તે રીતે હંગામો મચાવ્યો હતો. આ વ્યક્તિ પહેલા તો ત્યાં ધમાલ મચાવી અને બાદમાં આ સ્થળે નગ્ન થઇને રીક્ષાની આડે સૂઈ ગયો હતો.

આ પણ વાંચો: Rajkot: 28 વર્ષિય CA નૈતિક જાજલ બ્રેઈન ડેડ થતા પરિવારે તમામ અંગોનું કર્યું દાન, અંગદાન થકી અનેક લોકોને મળ્યું નવજીવન

દારૂના નશામાં ધૂત રિક્ષા ચાલક હેલિપેડ સુધી પહોંચી ગયો

ગત રવિવારના રોજ એક રિક્ષાચાલક દારૂ પીધેલી હાલતમાં દરવાજો તોડીને હેલિપેડ સુધી પહોંચી ગયો હતો. પોલીસ દ્રારા દારૂબંધી સામે કડક કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવે છે પરંતુ દારૂડિયાને જાણે કોઈ જ ખૌફ ન હોય તેવી સ્થિતિ આવા વીડિયો પરથી જોઇ શકાય છે. પોલીસ દ્રારા આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…