રાજકોટની લાલપરી નદીમાંથી 13 એપ્રિલ 2023ના રોજ ટૂકડા થયેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે પોલીસને કોઈ કડી મળી રહી નથી. ત્યારે આજે રાજકોટના બી ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ફાયર બ્રિગેડને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ચાર દિવસ વિતી ગયા છતા પણ હજુ સુધી પોલીસને મહિલાની ઓળખ મળી નથી, ત્યારે નદીમાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ છે કે કેમ તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.
આ કેસ અંગે TV9 સાથે વાતચીત કરતા બી ડિવીઝનના પીઆઇ રવિ બારોટે કહ્યું હતું કે, લાલપરી નદી નજીક જે મૃતદેહ મળી આવ્યો હતો તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ રાજકોટ શહેર અને આસપાસના જિલ્લાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જે મહિલાઓ અને યુવતીઓ ગુમ છે તેની પણ શોધખોળ ચાલી રહી છે. જો કે હજુ સુધી કોઈ મહત્વની કડી મળી નથી, ત્યારે પોલીસ દ્વારા નદીમાં ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે, જેથી કોઈ મોબાઈલ ફોન, કોઇ હથિયાર કે અન્ય કોઈ ચીજવસ્તુ નદીમાં પડી હોય તો તેની શક્યતાઓને આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી, ત્યારે ઘટનાસ્થળ નજીક ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા ગુમ હતી. પોલીસને આ સગીરા અંગે શંકા જતા પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેના આધારે સગીરાના ફોટો ,તેના પરિવારજનોની પુછપરછ સહિતાના મુદ્દે તપાસ હાથ ધરી હતી. જો કે બાદમાં આ સગીરા સુરતથી તેના પ્રેમી સાથે મળી આવી હતી.
લાલપરી નદીમાંથી મળેલા મૃતદેહ મામલે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં આ યુવતીની ઉંમર 17થી 21 વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ હાલમાં છેલ્લા એક મહિનામાં રાજકોટ શહેરમાં નોંધાયેલા 15 જેટલા ગુમ થયેલી મહિલાઓ અને આસપાસના જિલ્લાઓમાં ગુમ થયેલી મહિલાઓની વિગતો એકત્ર કરીને તપાસ કરી રહી છે.