Rajkot: રાજકોટ શહેરમાં રખડતાં ઢોરને પકડવા જતી ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે ફરી એકવાર બબાલના દ્રશ્યો સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી ગુરૂવારે સાંજના સમયે ગાયત્રીનગર મેઇન રોડ પર પહોંચી હતી ત્યારે માલધારીઓએ ઢોરને પકડતા અટકાવ્યા હતા. બંન્ને વચ્ચેની બબાલ એટલે સુધી પહોંચી હતી કે માલધારીઓ અને ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ આમને સામને આવી ગયા હતા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. સ્થિતિને જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. માલધારીઓનો આક્ષેપ છે કે ઢોર પકડ પાર્ટીના સભ્યો ઘરમાં રાખેલા ઢોરને પણ પકડી રહ્યા છે અને જ્યારે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે ઢોર પકડ પાર્ટી દ્રારા ગેર વર્તન કરવામાં આવ્યું હતું અને હુમલો કર્યો હતો.
બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી ભાવેશ જાંકાસણીયાએ માલધારી દ્રારા કરવામાં આવેલા આક્ષેપોને ફગાવ્યા હતા. તેઓએ દાવો કર્યો હતો કે રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી જ્યારે પહોંચી ત્યારે ત્યાં 6 થી 7 જેટલા ઢોર બહાર શેરીમાં રાખવામાં આવ્યા હતા જે અંગે કાર્યવાહી કરતા તેઓએ અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો હજુ પણ ત્યાં બહાર ઢોર બાંધવામાં આવશે તો કાર્યવાહી થશે.
મહત્વનું છે કે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા દરરોજ ઢોર 30 જેટલા ઢોરને પકડવામાં આવે છે. ઢોર પકડ પાર્ટી દિવસમાં ત્રણ અલગ અલગ શિફ્ટમાં કામ કરે છે જેમાં બે ટીમ દિવસ દરમિયાન અને એક ટીમ રાત્રી દરમિયાન કામગીરી કરે છે. ગત મહિના 850 થી 900 જેટલા રખડતાં ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા અને તેની સામે દંડ વસુલવાની કામગીરી કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા રખડતાં ઢોરના ત્રાસથી શહેરને મુક્ત કરવા કડક પગલાં લઇ રહી છે. આ અંગે વિશેષ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે
જેમાં ઢોર પકડાય તો તેને છોડાવવાના દંડની રકમ ત્રણ ગણી કરવામાં આવી છે. જેના કારણે પ્રથમ વખત ઢોર પકડાય તો 3 હજાર, બીજી વખત 4500 અને ત્રીજી વખત 6000 વસૂલવામાં આવશે.
દરેક પશુપાલકે પોતાની માલીકીની જગ્યામાં જ ઢોર રાખી શકશે,જો કોઇ પાસે માલિકીની જગ્યા ન હોય તો બે મહિનાના અંતરમાં ઢોરને શહેરની બહાર ખસેડવા પડશે. દરેક પશુપાલકે પોતાના ઢોરનું ફરજીયાત ટેગિંગ કરાવવું પડશે અને લાયસન્સ પણ લેવું પડશે. ઢોર પકડ પાર્ટી સાથે પોલીસ પણ તૈનાત રહેશે.કામગીરીમાં વિક્ષેપ આપનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આમ અનેક કડક નિયમો મહાનગરપાલિકા દ્રારા તૈયાર કરવામાં આવ્યા છે જે આગામી જનરલ બોર્ડમાં મંજૂર થયા બાદ અમલીકરણ કરાશે. જો કે હાલમાં રખડતાં ઢોર સામે મહાનગરપાલિકાની ઝુંબેશ તો ચાલી રહી છે પરંતુ તેમાં માલધારી અને મહાનગરપાલિકા સાથે ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. નવા નિયમોથી તેમાં કેટલો અંકુશ આવશે તે જોવાનું રહ્યું.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો