Rajkot : સમૂહલગ્નમાં વર-કન્યા પક્ષના કોઈ દારૂ પીને આવશે તો નહીં મળે કરિયાવર, જેતપુર ઠાકોર સેનાનું સરાહનીય પગલુ

Rajkot: વ્યસન મુક્તિને લઈને જેતપુર ઠાકોર સેના દ્વારા સરાહનીય કામ કરવામાં આવી રહ્યુ છે. જેમા તાજેતરમાં 12 માર્ચે આયોજિત થનારા સમૂહલગ્નોત્સવમાં વર-કન્યા બંને પક્ષમાંથી જો કોઈ દારૂ પીને આવશે તો કરિયાવર નહીં મળે. આ સાથે દારૂ પીનારને દંડ પણ ફટકારવામાં આવશે.

Rajkot : સમૂહલગ્નમાં વર-કન્યા પક્ષના કોઈ દારૂ પીને આવશે તો નહીં મળે કરિયાવર, જેતપુર ઠાકોર સેનાનું સરાહનીય પગલુ
| Edited By: | Updated on: Mar 06, 2023 | 1:36 PM

Rajkot જિલ્લાના જેતપુરમાં આગામી 12 માર્ચના રોજ ઠાકોર સેના દ્રારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે. આ આયોજનમાં 6 જેટલા નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે. ઠાકોર સેના દ્રારા સમાજમાંથી વ્યસનમુક્તિ થાય તે માટે સમૂહલગ્નોત્સવમાં અનોખી પહેલ કરી છે. જેમાં લગ્નમાં આવતા કોઇપણ વ્યક્તિ દારૂ પીને આવશે તો સમાજ દ્રારા તેને દંડ ફટકારવામાં આવશે. સમાજની આ પહેલનો હેતુ ઠાકોર સમાજમાંથી દારૂનું દૂષણ દૂર કરવાનો છે.

કરિયાવાર નહિ અપાય, થશે આકરો દંડ

સમૂહ લગ્નોત્સવના આયોજન અને ઠાકોર સેનાના ઉપપ્રમુખ હિતેશ ઠાકોરે TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઠાકોર સમાજમાંથી દારૂનું દૂષણ દૂર થાય અને લોકો જાગૃત થાય તે માટે સમૂહલગ્નની કંકોત્રીમાં જ ઉલ્લેખ કરાયો છે. જેમાં સમૂહલગ્નના દિવસે કોઇ વ્યક્તિ દારૂ પીને આવશે તો તેઓને 500 રૂપિયા દંડ ભરવો પડશે અને જો કોઇ વ્યક્તિ વર પક્ષ કે કન્યા પક્ષમાંથી દારૂ પીને આવશે તો તેઓને કરિયાવાર આપવામાં નહિ આવે. એટલું જ નહિ વધારામાં 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.

અમારો હેતુ ગામ અને સમાજને વ્યસનમુક્ત બનાવવાનો છે-ઠાકોર સેના

આ અંગે ઠાકોર સેનાના ઉપપ્રમુખ હિતેશ ઠાકોરે જણાવ્યુ હતું કે ઠાકોર સમાજમાં સાક્ષરતાનો અભાવ હોય છે. આજે પણ અનેક સમાજના ઘરોમાં અને વિસ્તારોમાં દારૂનું દુષણ રહેલુ છે. ત્યારે સમાજ અને ગામ વ્યસનમુક્ત બને તે માટે કંકોત્રીમાં આ ઉલ્લેખ કરીને લોકોને જાગૃત કરવાનો હેતુ છે અને સમાજમાંથી દારૂની બદી દુર કરવાનો પ્રયાસ છે.

અગાઉ હડાળા ગામમાં દારૂ પીને ન આવવાની કંકોત્રીમાં જ ટકોર કરી હતી

આ અગાઉ પણ હડાળા ગામના એક વ્યક્તિએ પોતાની પુત્રીના લગ્નની કંકોત્રીમાં લગ્નમાં આવતા મહેમાનોએ દારૂ પીને આવવું નહિ તેવો ઉલ્લેખ કર્યો હતો. કોળી સમાજમાં વ્યસનમુક્તિનો સંદેશો મળી રહે તે માટે દિકરીના પિતાએ કંકોત્રીમાં સ્પષ્ટ સંદેશો લખ્યો હતો કે કોઇપણ વ્યક્તિએ દારૂ પી આવવું નહિ.

આ પણ વાંચો:  Rajkot: કંકોત્રી નહીં માનવતાનો સંદેશ, લગ્નમાં કોઈ ભભકા નહીં સેવાકીય પ્રવૃતિઓની હારમાળા, પટેલ પરિવારના યોજાશે અનોખા લગ્ન

Published On - 1:31 pm, Mon, 6 March 23