Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોય તો તે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે. અહીં રાજકોટ સહિત આસપાસના તાલુકાઓ અને ગામના લોકો સારવાર માટે આવે છે. જો કે બીમારોની સારવાર કરતી આ સિવિલ હોસ્પિટલ ખુદ હાલ બીમાર હાલતમાં ભાસી રહી છે. હોસ્પિટલની અંદર જ બિસ્માર રસ્તા છે. જેમા વરસાદી પાણી ભરાઈ જવાથી સારવાર માટે આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. હોસ્પિટલની અંદરના દૃશ્યો પણ ભયાનક છે. અહીં શૌચાલયો છેલ્લા ઘણા સમયથી બ્લોક થયા છે પરંતુ હોસ્પિટલના સત્તાધિશોને તેની કંઈ પડી નથી. બિસ્માર રોડ રસ્તા, ટોયલેટ બ્લોક, ઇલેક્ટ્રિક વિભાગ, પાણી અને ડ્રેનેજની લાઇન સહિતના અનેક પ્રશ્નો રહેલા છે. આ તમામ અસુવિધાઓને લઈને આજે કોંગ્રેસ દ્વારા સિવિલમાં હલ્લાબોલ કરવામાં આવ્યુ. વિપક્ષે પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટ યુનિટની કચેરીએ હલ્લાબોલ કર્યો અને વિભાગ તરફથી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો.
વિપક્ષ કોંગ્રેસે કેટલાક ફોટોગ્રાફ્સ સાથે સિવિલ હોસ્પિટલની પોલ ખોલી. કોંગ્રેસના નેતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું હતું કે સિવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી હજારો દર્દીઓ આવે છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. બિસ્માર રોડ રસ્તા, ટોયલેટ બ્લોક, ઇલેક્ટ્રિક વિભાગ, પાણી અને ડ્રેનેજની લાઇન સહિતના અનેક પ્રશ્નો રહેલા છે. આ મુદ્દે અવારનવાર રજૂઆત કરવા છતા પણ આ પ્રશ્નનું સમાધાન થતું નથી. કોન્ટ્રાક્ટર પાસેથી 40 ટકાનું કમિશન લેતા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.
સિવીલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીને કારણે પ્રાથમિક સુવિધાઓ પણ ન મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં બિસ્માર રસ્તાને કારણે ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને હાડકાના દર્દીઓ અને સગર્ભા મહિલાઓ જ્યારે સ્ટેચર પર પસાર થતા હોય છે ત્યારે ભારે હાલાકી પડતી હોય છે ત્યારે તાત્કાલિક આ કામગીરી થાય તે જરૂરી છે.
સિવિલ હોસ્પિટલની ખસ્તા હાલત અને વિરોધપક્ષે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કેટલા સાચા છે, તે અંગે જ્યારે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટ યુનિટના ડેપ્યુટી ઈજનરે પુછવામાં આવ્યું તો હોસ્પિટલમાં થતા સમારકામ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને તેમણે નકાર્યા.
જે શહેરની સિવિલ હોસ્પિટલ જ બીમાર છે, તે દર્દીને શું સારવાર આપશે તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીના સગાઓનો પણ આક્ષેપ છે કે મહાનગરપાલિકા તરફથી જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ રહી.
Published On - 6:25 pm, Mon, 26 June 23