Rajkot: જો આપના ઘરે ગેસ સિલીન્ડર આવતું હોય તો તેના વજનની ચકાસણી અવશ્ય કરી લેજો,ક્યાંક આપની સાથે કોઈ છેતરપિંડી તો નથી થતીને! રાજકોટ પોલીસે ગેસ સિલીન્ડર (Cylinder)માં છેતરપિંડી કરીને ગેરકાયદે રીતે રિફિલિંગ કરતા બે શખ્સોને પકડી પાડ્યા છે. આ શખ્સો પાસેથી ખાલી અને ભરેલા મળીને કુલ 37 જેટલા ગેસના સિલીન્ડર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે અને તેની પાસેથી 3.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રાજકોટની કુવાડવા પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે તરઘડિયા ગામની સીમમાં નંદ ગોપાલ ગેસ એજન્સી આવેલી છે. તેની બહારના રસ્તે બે શખ્સો દ્રારા કોઈપણ જાતના આધાર પરવાના વગર માનવ જીંદગી જોખમાય તે રીતે રીફિલિંગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો કર્યો ત્યારે દેવા ઉર્ફે ચનો બાંભવા અને ભરત બકુત્રા નામના શખ્સોને રંગે હાથ પકડી પાડ્યા હતા.
આ બંન્ને શખ્સો એજન્સીઓ દ્રારા આપવામાં આવેલા ગેસના સિલિન્ડરો ગ્રાહકને આપતા પહેલા તેમાંથી ગેરકાયદેસર રિફલીંગ કરી લેતા હતા અને બાદમાં આ રિફલીંગથી ભરાયેલા ગેસના બાટલાની કાળા બજારી કરતા હતા. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડો કર્યા બાદ પુરવઠા અધિકારી અને તોલમાપના અધિકારીને પણ સાથે રાખ્યા હતા અને તેની પાસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને બંન્ને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : Rajkot: કેકેવી હોલ બ્રિજનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ, મેયરે બાઈકરાઈડ કરી બ્રિજને લોકો માટે મુક્યો ખુલ્લો
પોલીસે દરોડો કર્યો ત્યારે બંન્ને શખ્સો પાસેથી ભારત ગેસ કંપનીના ભરેલા અને કોમર્શિયલ ગેસના ભરેલા અને ખાલી મળીને કુલ 37 સિલીન્ડર જેની કિંમત 74000 તથા એક મોટરકાર છકડો રિક્ષા ,મોબાઇલ ફોન અને રોકડ મળીને કુલ 3.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આ શખ્સો કેટલા સમયથી આ ગોરખધંધો ચલાવતા હતા. આ બંન્ને શખ્સો સાથે કોઇ સંકળાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે આ કિસ્સામાં લોકો સાથે છેતરપિંડી અને જીવ જોખમાય તે પ્રકારની પ્રવૃતિ કરતા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:45 pm, Fri, 28 July 23