
રાજકોટમાં સસ્તા અનાજના દુકાન ધારકોએ નવી આવેલી CBDC સિસ્ટમ સામે વિરોધ નોંધાવ્યો છે. હાલ અનાજ વિતરણ માટે જે CBDC સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તેના કારણે સર્વર વારંવાર ઠપ્પ થઈ જાય છે. સિસ્ટમના ધાંધિયાને કારણે વારંવાર લોગઆઉટ થઈ જવાની સમસ્યા સર્જાય છે. આ ધાંધિયાથી કંટાળેલા દુકાનદારોએ સિસ્ટમ સામે વિરોધ નોંધાવ્યો છે.
દુકાનદારોની ફરિયાદ છે કે સિસ્ટમ બરાબર કામ કરતી નથી. વારંવાર સિસ્ટમ ઠપ્પ થાય છે. કેટલાય એવા ગ્રાહકો છે જેની પાસે સ્માર્ટ ફોન હોતા નથી. હવે CBDC સિસ્ટમથી ગ્રાહકના મોબાઈલમાં સીધુ કૂપન જનરેટ થાય છે જે સ્કેન કરીને પૂરવઠો મળે છે. પરંતુ વેપારીઓનો દાવો છે કે સર્વર ઠપ્પ રહેવાના કારણે વારંવાર લોગઆઉટની સમસ્યા સર્જાય છે. બીજી તરફ અનેક એવા ગ્રાહકો છે જેમની પાસે સ્માર્ટ ફોન હોતા નથી તો કૂપન જનરેટ ન થાય તો રાશન કેવી રીતે મેળવે તે મોટો સવાલ છે. જેના કારણે હાલ દુકાનદારોનું કહેવુ છે કે સરકારની આ CBDC સિસ્ટમના ધાંધિયાથી ગરીબ રેશનકાર્ડ ધારકોને દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
દુકાનદારોનું કહેવુ છે કે દરેક ગ્રાહકો પાસે સ્માર્ટ ફોન હોતા નથી. હાલમાં ઝોનલ કચેરી તેમજ મામલતદાર કચેરીએ ગ્રાહકોને બોલાવીને અથવા તેમના કર્મચારીઓને દુકાનો પર મોકલી ગ્રાહકોના મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તેના માધ્યમથી જ અનાજ મેળવવાનો આગ્રહ રાખવામાં આવે છે. આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી અનાજ મેળવવાની સિસ્ટમમાંથી ગ્રાહક આપોઆપ બહાર થઈ જાય છે.
હાલ PNB ની બેંક સાથે મર્જર કરીને CBDC ની સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે, તેનાથી CBDC એક્ટિવેટ રાશનકાર્ડ ધારકોને સિસ્ટમના ધાંધિયાને કારણે હેરાન થવુ પડે છે. દુકાનદારોનું કહેવુ છે કે દર વખતે સિસ્ટમની ખામીઓને સંગઠન દ્વારા ઉજાગર કરવામા આવે છે પરંતુ તંત્ર સાંભળતુ નથી.
ઓક્ટોબર માસમાં દિવાળીને ધ્યાને રાખી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના દ્વારા ખાંડ અને તેલ વધારે આપવામાં આવે છે પરંતુ CBDCના ધાંધિયાને કારણે ગરીબ રેશનકાર્ડ ધારકો આ લાભથી વંચિત રહી જાય તેવી પણ આશંકા દુકાનદારે વ્યક્ત કરી છે. સિસ્ટમમાં વારંવાર એરર આવવી, વારંવાર લોગ આઉટ થઈ જવાને કારણે ગ્રાહકો અને દુકાનદારો બંને હેરાન થઈ રહ્યા છે, ત્યારે દુકાનદારોનનું કહેવુ છે કે હાલ દિવાળી પૂરતા આ સિસ્ટમનો હઠાગ્રહ ન રાખી ગરીબ રાશનકાર્ડ ધારકોને બક્ષી દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
Input Credit- Mohit Bhatt- Rajkot
Published On - 2:41 pm, Mon, 12 October 26