
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડો રૂપિયાની ચકચારી લૂંટની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી સાત બુકાનીધારી શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો.
લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી વૃદ્ધને કાબૂમાં લઈને આશરે 2.47 કરોડ રૂપિયાની રોકડ રકમ અને 7 તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. આરોપીઓએ ધમકી આપીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીઓ અગાઉથી જ સંપૂર્ણ આયોજન સાથે સ્થળ પર પહોંચ્યા હતા. વૃદ્ધને બંધક બનાવી રાખ્યા બાદ ઘરમાં રહેલી રોકડ રકમ અને કિંમતી દાગીનાની લૂંટ કરીને તેને લઈને તેઓ ફરાર થઈ ગયા હતા.
લૂંટની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કરોડો રૂપિયાની લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સાથે જ આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ પણ કબજે લેવામાં આવ્યા છે.
ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજા પેટ્રોલપંપ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. તેથી આરોપીઓને ઘરમાં મોટી રકમ હોવાની અગાઉથી જાણ હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
પોલીસે અજાણ્યા સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપવા માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે અને નજીકના જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઘટનાને લઈને વેપારી વર્ગમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- 20 જૂનના મહત્વના સમાચાર : NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર એક્શનમાં, સવારે 9 વાગ્યાથી લઇને રાત્રે 8 વાગ્યા સુધી દેશવ્યાપી મોક ડ્રીલ
Published On - 9:25 am, Sat, 20 June 26