રાજ્ય સરકારની આર્શિવાદરૂપ સેવા એટલે કે ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઈમરજન્સી સેવા 24 કલાક લોકોની સેવા માટે અવિરત હોય છે. ત્યારે રાજકોટમાં 42 જેટલી 108 એમ્બ્યુલન્સના 220 જેટલા આરોગ્યકર્મીઓ ફરજ પર હાજર રહીને હોળી અને ધુળેટીના પર્વની ઉજવણી કરશે.
પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરએ લોકોને સલામત અને સુરક્ષિત હોળી ધુળેટીના પર્વની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, હોળીનો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બની જાય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં હોળીના દિવસે 7 % જેટલો ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. તેમજ ધુળેટીમાં 18% જેટલો વધારો નોંધાય છે.
હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અક્સ્માત થવાની ઘટના, મારામારી થવાની ઘટના, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરશે. 108 ઈમરજન્સી સેવાની 42 જેટલી એમ્બ્યુલન્સ અને 220 જેટલા આરોગ્યકર્મીઓ પોતાના કાર્ય સ્થળ પર રહી લોકોના જીવ બચાવવા માટે તૈયાર અને તૈનાત રહેશે.
લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હશે ત્યારે ફરજ ઉપર તૈનાત રહેનાર આરોગ્યકર્મીઓએ પોતાના કાર્ય સ્થળ ઉપર રહીને જ કાર્યરત રહેવાના હોવાથી 108 ઈમરજન્સી સેવાના આરોગ્યકર્મીઓએ તહેવાર પહેલા જ પોતાના કાર્ય સ્થળ પર જ એકબીજાને રંગ લગાવી ધુળેટીનાં પાવન પર્વની ઉજવણી કરી હતી અને લોકોને સ્વાસ્થ્યમય આ તહેવાર ઉજવાય તેવી પ્રાર્થના કરી હતી.
Published On - 7:20 am, Tue, 7 March 23