કાગવડ ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) રાજકારણ (politics) માં ક્યારે એન્ટ્રી કરશે તેને લઈને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આજે કાગવડ ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની બેઠક મળવાની છે. જેમાં આગામી સમયે યોજાનાર મહાસભા અંગે ચર્ચા થવાની શક્યતા છે. બીજી તરફ નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું જોઇએ કે નહીં તેને લઇ સર્વે થઈ રહ્યો છે. જેમાં મોટાભાગના યુવાનોએ એવો અભિપ્રાય આપ્યો છે કે નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. તો પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે નરેશ પટેલની સામાજિક કાર્યમાં જરૂર છે, જેથી તેઓને રાજકારણમાં પ્રવેશવું ન જોઈએ. હાલ તો ખોડલધામની પોલિટિક્સ સમિતિનો સર્વે ચાલી રહ્યો છે. જે એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ જ ટ્રસ્ટીમંડળ નરેશ પટેલ અંગે કોઈ જાહેરાત કરશે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે સરવેના પ્રાથમિક તારણો બહાર આવ્યાં છે અને તે પ્રમાણે ખોડલધામની પોલિટિકલ સમિતિના આંતરિક સર્વેમાં મહત્તમ લોકોનો એવો અભિપ્રાય આવ્યો કે નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઈએ. નરેશ પટેલ અત્યાર સુધી સમાજ કહેશે તો હું ચોક્કસ રાજકારણમાં જઈશ તેવો રાગ આલાપતા રહ્યાં છે. ત્યારે સમાજના આંતરિક સર્વેમાં હવે રાજકારણમાં ન પ્રવેશવું જોઈએ તેવો મહત્તમ સૂર સામે આવ્યો છે. જો કે આ સર્વે કઈ રીતે કરવામાં આવ્યો તેની વિગતો હજુ સુધી ગુપ્ત રાખવામાં આવી છે. બીજી બાજુ ખોડલધામની પોલિટિક્સ સમિતિ તરફથી આવા કોઈ ડેટા બહાર પાડવામાં આવ્યા ન હોવાનું કહેવામાં આવ્યું હતું.
ખોડલધામની પોલિટિક્લ સમિતિનો સર્વે હજુ ચાલી રહ્યો છે. જે એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જે બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરશે. આ પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પક્ષો નરેશ પટેલનું રાજનીતિમાં સ્વાગત કરવા માટે લાલજાજામ પાથરીને બેઠા છે. ત્યારે નરેશ પટેલનો અંતિમ નિર્ણય શું હશે તે અંગે રાજકીય વર્તૂળોમાં ચર્ચા જામી છે.
આ પણ વાંચોઃ Kheda: ગોબલજ ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ ન કરવાની ધમકી, 4 સામે એટ્રોસિટીની ફરિયાદ
Published On - 9:22 am, Wed, 27 April 22