સમગ્ર રાષ્ટ્રમાં એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યુ છે. જો કે સ્વચ્છ ભારત અભિયાનથી બિલકુલ વિરૂદ્ધ સ્થિતિ જોવી હોય તો તમારે ધોરાજી (Dhoraji) પહોંચી જવું પડે. અહીં શહેરભરમાં એટલી અવ્યવસ્થા અને ગંદકી છે કે લોકો પરેશાન છે. આ ઓછું હોય તેમ સફાઈ (Cleaning) કરવાને બદલે નેતાઓ આક્ષેપબાજી કરીને તેની ગંદકી ઓર વધારી રહ્યા છે.
રાજકોટના ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, રખડતાં ઢોરોનો ત્રાસ, પ્લાસ્ટીક વેસ્ટ, કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. ધોરાજીમાં રસ્તા પરની આ ગંદકીથી લોકો ત્રસ્ત છે. રસ્તા પર ગંદા પાણીમાં મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડેલી પાલિકા પાસે એના માટે જોઈએ એટલા બહાના છે. અહીંના લોકોનો એવો આક્ષેપ છે કે ધોરાજીમાં કોંગ્રેસ શાસિત પાલિકા છે કદાચ એટલે જ એમને મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાન સામે વાંધો હોઈ શકે છે. પણ એમાં લોકોનો શું વાંક છે?
ધોરાજીના વેપારીઓનું કહેવું છે કે અહીંના શાક માર્કેટ વિસ્તાર પાસે અને ચારા પીઠ વિસ્તારમાં ગંદકી એટલી હદે ખડકાઈ ગઈ છે કે અહીંયા ખરીદી માટે આવવું મુશ્કેલ બની ગયું છે. તો વેપારીઓ માટે દુકાનમાં બેસવું પણ અઘરું છે. ગંદકીને કારણે મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. પાલિકા અહીં 15 થી 20 દિવસે એક વાર સફાઈ કરાવે છે. બાકીનો સમય ગંદકી માટે રાખ્યો હોય એવું લાગે છે.
આ તરફ ધોરાજી શહેર ભાજપના મહામંત્રીએ ધોરાજીની કોંગ્રેસ શાસિત પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે અહીં સફાઈ તો થાય છે પણ માત્ર કાગળ પર અને સફાઈના નામે ખોટા બિલો રજૂ કરી ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. તો બીજી તરફ ધોરાજી નગરપાલિકાના કારોબારી ચેરમેનને જ્યારે આ અંગે પુછવામાં આવ્યુ તો તેઓ અજાણ હોય એમ સામે સવાલ કરે છે કે, ”અચ્છા, શહેરમાં આટલી ગંદકી છે?”
પાલિકાના સત્તાધિશોએ કોઈ અલગ પ્રકારના ચશ્માં પહેર્યા હોય તેમ એમને ગંદકી જેવુ કઇ દેખાતુ જ નથી. ગંદકી દૂર કરી સફાઈ કરવાનું કોઈને સુઝતું નથી. તેના બદલે ગંદકી પર ઔર ગંદુ રાજકારણ શરૂ થઈ ગયું છે. ત્યારે હવે લોકો માને છે કે રાજકારણ બંધ કરીને સફાઈ ચાલુ કરો તો ઘણું.
આ પણ વાંચો-
આ પણ વાંચો-