Rajkot: માધવપુર મેળાને અનુલક્ષીને રાષ્ટ્રપતિ (President)રામનાથ કોવિંદ (Ramnath Kovind)સૌરાષ્ટ્રની મુલાકાતે પધારનાર છે. જે અન્વયે તા. 11 એપ્રિલના રોજ રાજકોટ એરપોર્ટ ખાતે ટ્રાન્ઝિટ વિઝીટને અનુલક્ષીને તેમનું ટૂંકું રોકાણ થનાર છે. રાજકોટ ખાતે રેડ કાર્પેટ પર મ્યુઝિક બેન્ડની સુરાવલી સાથે રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે. કલેકટર અરુણ બાબુએ આ સંદર્ભે આયોજિત મિટિંગમાં વિવિધ સંબંધિત વિભાગ મેડિકલ, ફૂડ, ફાયર, પોલીસ, તેમજ એરપોર્ટ ઓથોરિટી અને પ્રાંત વિભાગને સંલગ્ન કામગીરીમાં કોઈ કચાસ ના રહી જાય તે માટે આયોજન અને અમલીકરણ સમયબદ્ધ પૂર્ણ કરવા સૂચના આપી હતી.
નિવાસી અધિક કલેકટર કે.બી. ઠક્કરે સંબંધિત વિભાગની કામગીરી અંગે સંકલન કરેલું હતું. આ તકે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર એ.આર.સિંધ, પ્રાંત અધિકારીઓ, એરપોર્ટ ઓથોરિટી, પોલીસ, ફૂડ, આર.એન્ડ.બી. બી.એસ.એન.એલ. પી.ડી.યુ. હોસ્પિટલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.રાજકોટ કલેક્ટરે માધવપુર મેળાનાં અનુલક્ષીને તૈયારીઓની સમીક્ષા કરી, આગામી 10 થી 14 એપ્રિલ દરમિયાન યોજાનારા માધવપુર મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
જે અન્વયે અલગ-અલગ તાલુકાના પ્રાંત અધિકારીઓ સાથે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કામગીરીની સમીક્ષા કલેકટરે કરી હતી. માધવપુરના મેળાના ઐતિહાસિક મહત્વ પર ભાર મૂકી કલેકટરે વિશેષ સૂચનો કર્યા હતા. આ ઉપરાંત મહંતોને રાજકોટની તમામ હવેલી અને વિવિધ મંદિરોને શણગારવાનું જણાવ્યું હતું. આ મેળામાં ભાગ લેનારા મહંતો પોરબંદર જવા ઈચ્છતા હોય, તેમની યાદી પણ મંગાવી હતી.
જે અંતર્ગત કલેકટરે પરિવહન માટેની સુવિધાનાં ભાગ રૂપે વધારાની બસો, તથા રહેવા માટેની સગવડોની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરી હતી. અને બધી હવેલીઓ અને મંદિરોના પૂજારીઓને સોશિયલ મીડીયાનાં માધ્યમથી આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવા જણાવ્યું હતું. જે માટે તમામ ટેકનિકલ સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ વિભાગનાં અધિકારીઓને સુચન કર્યુ હતુ.આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠકકર, નાયબ કલેકટર પ્રતાપ વર્મા, વિરેન્દ્ર દેસાઈ, આર.એન.બી એન્જિ. તથા સબંધિત વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
આ પણ વાંચો :RAJKOT : પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો કલીપ વાયરલ, તાલુકા પંચાયતના સદસ્યને ધમકી આપી ?
Published On - 4:22 pm, Thu, 7 April 22