રાજકોટના નવા કલેક્ટર તરીકે પ્રભવ જોષીએ આજે ચાર્જ સંભાળ્યો હતો. આજે પૂર્વ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ પ્રભવ જોષીને આવકાર્યા હતા અને ચાર્જની સોંપણી કરી હતી. પ્રભવ જોષી રાજકોટ શહેરના 50માં કલેક્ટર છે. પ્રભવ જોષીએ આજે ચાર્જ સંભાળતાની સાથે પૂર્વ કલેક્ટર અરૂણ મહેશ બાબુને વિદાય પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો- Breaking News: રાહુલ ગાંધીની અરજી પર આગામી 13 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે
નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોષીએ કહ્યું હતું કે, રાજકોટમાં આવતા દિવસોમાં પ્રજાની સુખાકારી માટેના તમામ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. એઇમ્સ,હિરાસર એરપોર્ટ, નવું કોર્ટ બિલ્ડીંગ સહિતના કામો ઝડપથી પુરા થાય તે દિશામાં આગળ વધવામાં આવશે.
TV9 સાથે વાતચીત કરતા પ્રભવ જોષીએ કહ્યું હતું કે વર્ષ 2016-17માં હું જ્યારે ડેપ્યુટી કલેક્ટર હતો, ત્યારે એઇમ્સની જગ્યા ફાળવણી અંગેની બ્લુ પ્રિન્ટ મેં તૈયાર કરી હતી અને આ અંગે જગ્યા ફાળવણી અંગેની જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આજે જ્યારે એઇમ્સ તૈયાર થઇ રહી છે ત્યારે આ જગ્યા સાથે હું ઇમોશનલી જોડાયેલો છું અને એઇમ્સ જલ્દીમાં જલ્દી અને સારી રીતે પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે.
આ ઉપરાંત હિરાસર એરપોર્ટ બાંધકામની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે ત્યારે આ હોસ્પિટલોમાં લોકોની સુખાકારી વધે અને જરૂરી સુધારા વધારા કરવામાં આવે તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં સરકારની જે પણ યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે અને વિકાસ કાર્યોને વેગ મળે તેવા મારા પ્રયત્નો હશે.
પ્રભવ જોષી અગાઉ રાજકોટમાં ડેપ્યુટી કલેક્ટર રહી ચૂક્યા છે. રાજકોટમાં તેઓ વર્ષ 2016 થી 2019 સુધી ફરજ બજાવતા હતા. જેથી રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ વડે સારી રીતે વાકેફ છે. હાલમાં તેઓ ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. ના એમડી તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાંથી તેઓની બદલી રાજકોટ કરવામાં આવી છે. તેના સ્થાને રાજકોટના પૂર્વ કલેક્ટર અરૂણ મહેશ બાબુની બદલી થઇ છે. પ્રભવ જોષીએ પણ કહ્યું હતું કે, મહેસુલી બાબતો અંતે તેઓ પાંચ વર્ષ બાદ ફરી જોડાઇ રહ્યા છે. પ્રથમ દિવસે જ પ્રભવ જોષીએ રાજ્યના મુખ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 4:21 pm, Mon, 3 April 23