વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની (Yuvraj Singh Jadeja)પોલીસ પર કાર ચઢાવવાની આરોપમાં કલમ 307 હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody)માં મોકલવામાં આવ્યા છે. પોલીસે યુવરાજસિંહના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. FSLના રિપોર્ટમાં જો કંઈ વાંધાજનક નીકળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani) કટાક્ષ કર્યો હતો. પત્રકારો દ્વારા યુવરાજસિંહની ધરપકડના સવાલની શરૂઆતમાં જ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કોણ યુવરાજસિંહ? કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લે તો કાયદો બધા માટે એક સમાન છે. ન્યાયિક પ્રક્રિયા બધા માટે એક સમાન હોય છે.
જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં કંઈક ખોટું થયું હોય તો તેને સુધારવાની સરકારની તૈયારી છે. ભૂતકાળમાં જ્યાં પણ ગેરરિતી થઈ છે, ત્યાં સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો ખોટી રીતે સરકારને બદનામ કરી રહ્યા છે. જે અયોગ્ય છે.
જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ભરતી અંગે ભાજપ સરકાર પર જે લોકો આક્ષેપ કરી રહ્યા છે, તે લોકોએ ન ભુલવું જોઈએ કે કોંગ્રેસની સરકારમાં બારોબાર ભરતી થતી હતી. નેતાઓ બાવળાં પકડીને નોકરીએ રાખી દેતાં હતા અને આજે પણ કેટલાય સરકારી કર્મચારીઓ નોકરી કરતા હશે. નરેન્દ્ર મોદીએ પરીક્ષા લેવાની શરૂઆત કરી હતી અને તેના આધારે પારદર્શક ભરતી પ્રક્રિયા હાથ ધરી છે.
બીજી તરફ યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો રાષ્ટ્રીય કરણી સેનાએ વિરોધ કર્યો હતો. કરણી સેનાના પ્રદેશ પ્રમુખ જે,પી,જાડેજાએ કહ્યું હતું કે જે ઘટના દેખાડવામાં આવી રહી છે તે કદાચ ઉતાવળે બની હશે. યુવરાજસિંહ ભષ્ટ્રાચાર ખુલ્લો પાડવા મથામણ કરી રહ્યા છે. સરકાર આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવે જો યોગ્ય તપાસ નહીં થાય તો કરણી સેના આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે.
આ પણ વાંચો-ઉનાળાની શરુઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી
આ પણ વાંચો-Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું