રાજ્યમાં કહેવા માટે તો કાગળ પર દારૂબંધી છે પરંતુ આ દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના રાજકોટમાં ફરી એકવાર સામે આવી છે. જ્યાં ટ્રાફિક વોર્ડન જ દારૂની ખેપ મારતા ઝડપાયો છે. સમગ્ર ઘટનાની વિગત અનુસાર શહેરના રેસકોર્ષ રોડ પર આવેલ પોલીસ કમિશનરની કચેરી બહાર એક સફેદ I-20 નંબર પ્લેટ વિનાની કાર પડેલી હતી. કારમાં પોલીસ લખેલુ પાટીયુ હતુ. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જ્યારે તેમની ઓફિસમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમનું ધ્યાન આ કાર પર પડતા તેમણે ડિટેઈન કરવાની સૂચના આપી હતી.
પોલીસ કમિશનરના આદેશ બાદ ટ્રાફિક પોલીસે કારને ટો કરતી વખતે તેની તપાસ કરતા તેમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી. કારની અંદરથી 68 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેના પગલે કારને તાત્કાલિક પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. જ્યાં પોલીસે તપાસ કરતા કરણ નામનો ટ્રાફિક વોર્ડન કાર સાથે પકડાયો હતો. પોલીસે કરણની પૂછપરછ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે ટ્રાફિક વોર્ડન કરણ પોલીસની સાંઠગાંઠ અને મિલિભગતથી દારૂનો વેપલો કરતો હતો. હાલ આ દારૂના જથ્થા પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં કરણ આ કાર પોતાની જ હોવાનો દાવો કરી રહ્યો છે. ત્યારે કરણ છેલ્લા કેટલા સમયથી દારૂનો આ વેપલો કરતો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના અધિકારીના કહેવા પ્રમાણે કરણે દારૂનો જથ્થો દીવથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે. છેલ્લા થોડા સમયથી તે દીવથી દારૂ લાવીને રાજકોટમાં વેચતો હતો.પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે 68 બોટલ પૈકી 57 બોટલ દીવ દમણની છે જ્યારે 11 દારૂની બોટલ પંજાબમાં તૈયાર થઇ હોવાનું લખ્યું છે ત્યારે પંજાબમાં તૈયાર થયેલો દારૂનો જથ્થો અહીં કેમ આવ્યો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Video : રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, શાળાનો સમય સવારે 8 વાગેનો કરાયો
ટ્રાફિક નિયંત્રણ કરવાને બદલે અઘિકારીઓની ઓફિસમાં કામ કરતા ટ્રાફિક વોર્ડન પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે ત્યારે પોલીસ દ્રારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક વોર્ડન હોવાને કારણે ટ્રાફિક વિભાગ દ્રારા પણ તેને વોર્ડન તરીકે દુર કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં ટ્રાફિક વોર્ડન પોલીસના છુપા આર્શિવાદથી બેફામ બન્યા છે અને આવા અવળા રસ્તે ચડી રહ્યા છે ત્યારે પોલીસે તેમની પર કડક નિયંત્રણ લાવવું જરૂરી છે. ટ્રાફિક વોર્ડનના ગુનાહિત ઇતિહાસ ચકાસીને જ તેની ભરતી થાય તે ખૂબ જ જરૂરી છે.
અહીં જુઓ વીડિયો:
Published On - 6:36 pm, Wed, 18 January 23