રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પીવાના પાણી મુદ્દે હોબાળો જોવા મળ્યો. શાસક પક્ષે જ પીવાના પાણીની ગુણવત્તાને લઈને સવાલ ઉઠાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શાસક પક્ષના નેતા વિનુ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને કોર્પોરેટર કેતન પટેલે પાણીની ગુણવત્તાને લઇને સવાલ ઉઠાવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. આજે પ્રશ્નોતરી દરમિયાન ભાજપના બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલે આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા.શહેરમાં પીવાના પાણીના કેટલાક પ્લાન્ટ આવેલા છે અને કેટલા રજીસ્ટ્રર થયેલા છે તે પ્રશ્નથી શરૂ કરેલી ચર્ચાએ એક તબક્કે આરોગ્ય વિભાગના અધિકારીની બોલતી બંધ કરી દીઘી હતી.
ભાજપના જ કોર્પોરેટરોએ દાવો કર્યો હતો કે 20 લીટર પાણીની બોટલ ખુલ્લેઆમ વેંચાઇ રહી છે તે પાણી પીવાલાયક છે કે કેમ તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. શહેરમાં આ પ્રકારનું પાણી વહેંચતા 300 જેટલા પ્લાન્ટ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે અને આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે.
જનરલ બોર્ડમાં બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલ, શાસક પક્ષના નેતા વીનુ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં કહ્યું હતું કે શહેરમાં તમામ મોટા કાર્યક્રમોમાં અને દરેક દુકાનો અને ઓફિસોમાં 20 લીટરના પાણીની બોટલનું વેચાણ થતું હોય છે. આ પાણી પીવાલાયક છે ખરા આ પાણીની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ પાણી વેંચતા કેટલા વેપારીઓ પાસે લાયસન્સ છે તે પણ એક મોટો સવાલ છે ત્યારે આરોગ્ય વિભાગે પોતાની આંખ પરથી પરદો દૂર કરીને આવા યુનિટોમાં તપાસ કરવી જોઇએ.
આ અંગે મેયર પ્રદિપ ડવે Tv9 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી જે ખૂબ જ વ્યાજબી છે. ઉનાળાના સમયમાં લોકો પાણી વધારે પીતા હોય છે. તેવા સમયે લોકોના આરોગ્ય જળવાઇ રહે અને જે પાણીનો લોકો પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે તેની ગુણવત્તા જળવાઇ રહે તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ નિયમીત ચકાસણી કરતા જ હોય છે પરંતુ તે વધુ સઘન રીતે કરે તેવો આદેશ અપાયો છે.
આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારે કહ્યું હતું કે શહેરમાં પેકિંગ પાણીના લાયસન્સ આપવામાં આવી રહ્યા છે. આ માટે 13 જેટલા પ્લાન્ટ રજીસ્ટ્રર થયા છે પરંતુ ફુડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત 20 લીટર બોટલ માટે કોઇ નક્કર ગાઇડલાઇન નથી. જો કે આરોગ્ય વિભાગની ટીમ દ્રારા સમયાંતરે ચેકિંગ હાથ ધરાતું હોય છે અને હવે આ મુદ્દે કડક કાર્યવાહી સાથે વધુ ચેકિંગ હાથ ધરાશે.
આ પણ વાંચો: Rajkot: સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન, વિંછીયા તાલુકામાં 4 તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી પુર ઝડપે
Published On - 4:37 pm, Mon, 20 March 23