રાજકોટના વિંછીયામાં અંદ્ધશ્રદ્ધાની આગમાં હોમાયેલા પરિવાર અંગે તપાસ ચાલી રહી છે. ત્યારે માનવબલી ચઢાવવાના કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઘટના સ્થળની તપાસ બાદ પોલીસે દાવો કર્યો છે કે આ કોઈ તાંત્રિક વિધિ નથી. પતિ-પત્નીએ પોતાની મરજીથી વિધિના નામે આત્મહત્યા કરી છે. એટલું જ નહીં પોલીસનું કહેવું છે કે કોઇના દબાણ કે કહેવાથી દંપતીએ આ પગલું ભર્યું હોય તેવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું નથી.
લોખંડની પ્લેટ રાખી વિધિ માટે દંપતીએ મસ્તક હવનકુંડમાં હોમી દીધા. સુસાઈડ નોટમાં પણ જાતે જ બલી ચઢાવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દંપતી છેલ્લા એક વર્ષથી શિવની સ્થાપના કરી પૂજા કરતા હતા. હાલ પોલીસ આ કયા પ્રકારની વિધિ હતી તે દિશામાં તપાસ કરી રહી છે.
આ સમગ્ર ઘટનામાં વિજ્ઞાનજાથાએ તાંત્રિક વિધિની આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે કે કોઈની પ્રેરણા વિના આવુ બની જ ન શકે. કોઈ તંત્રવિધિના ગુરુએ ખોટી લાલચ આપી આવુ કરવા મજબુર કર્યા હોવાનો દાવો કર્યો છે. આ દિશામાં તપાસની પણ માગ કરી છે.
વિંછીમાં સામે આવેલી માનવબલી ચડાવવાની ઘટના અનેક સવાલો ઉપજાવે છે.
બીજી તરફ વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાનું સ્પષ્ટ માનવુ છે કે કોઈની દુષ્પ્રેરણા વિના એક સાથે બે વ્યક્તિ આ પ્રકારે આપઘાત કરી જ ન શકે. વિંછીયામાં સામે આવેલી ઘટના ફરી એકવાર સમાજને વિચારવા મજબૂર કરનારી છે. અહીં સવાલ એ સર્જાય છે કે શું કોઇ જીવનો અંત સુખની શરૂઆતનો રસ્તો ખોલી શકે. શું કોઇના પર અત્યાચાર ગુજારવાથી દર્દમાંથી મુક્તિ મળી શકે.
આ ઘટના બાદ પતિ-પત્ની બંનેની એકસાથે અંતિમયાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પતિ-પત્ની બંનેના એકસાથે અગ્નિસંસ્કાર કરાયા હતા. આ ઘટના બાદ 15 વર્ષની દીકરી અને દીકરાએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:37 pm, Mon, 17 April 23