રાજકોટ ભાજપમાં જૂથવાદ : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે

|

Nov 16, 2021 | 5:21 PM

રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવતા સી.આર.પાટીલે કહ્યું કે ભાજપમાં કોઈ આંતરિક જૂથવાદ નથી. જો આવું કાઈ હશે તો આવો કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે.

RAJKOT : રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગે હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવતા સી.આર.પાટીલે કહ્યું કે ભાજપમાં કોઈ આંતરિક જૂથવાદ નથી. જો આવું કાઈ હશે તો આવો કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે. તેમણે કહ્યું કે જે બાબતની ચર્ચા થઇ રહી છે તેમાં સંબંધિત આગેવાનોને સૂચના આપી દેવામાં આવી છે કે આવા નિવેદનોથી દુર રહે.

આ સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા આ કાર્યક્રમ માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકાઓ છાપવામાં આવી હતી અને વિતરણ કરવામાં આવી હતી. આ  આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાના નામનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ બંને મોટા નેતાઓના નામ કાપવાની બાબતે વિવાદ સર્જાયો હતો.

ગઈકાલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જયારે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ત્યારે વિજય રૂપાણી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ વાતચીત કરી રહ્યાં હતા. આ દરમિયાન રામ મોકરીયા પણ ત્યાં પહોચ્યાં હતાં, જો કે વિજય રૂપાણીએ રામ મોકરીયાને બેસી જવાનું કહ્યું હતું.

આ અંગે રામ મોકરીયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે વિજય રૂપાણી ગોવિદ પટેલને પૂછી રહ્યાં હતા કે પત્રિકાનો વિવાદ શું હતો. ત્યારે રામ મોકરીયા ત્યાં પહોચ્યાં તો વિજય રૂપાણીએ કહ્યું કે તમે આ મામલે દખલ ન કરો. રામ મોકરીયાએ કહ્યું કે ગોવિંદ પટેલ સિનિયર આગેવાન છે અને તેમનું માન જળવાવવું જોઈએ.

આ પણ વાંચો : આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે મહત્વની બેઠક યોજાઈ

આ પણ વાંચો : ગુજરાતની છ નગરપાલિકાના 63.37 કરોડના પાણી પૂરવઠાના કામોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી

Next Video